ભૂજ પાસે ફૂટબોલમાં હવા ભરાવવા જતા યુવકનું ટ્રકની ઠોકરે અરેરાટી ભર્યું મોત : મિત્ર ગંભીર

ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવના પાવડીવાળા વિસ્તારમાંથી મંગળવારે સવારે એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની ફાયર શાખાને જાણ થતાં પોલીસને જાણ કરાયા બાદ પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના હમીરસર તળાવમાં સવારે પોણા નવ વાગ્યાના અરસામાં અજાણ્યા યુવકની લાશ તરતી નજરે પડતાં આ બાબતે પાલિકાના નગર સેવક ભૌમિક વછરાજાનીએ ફાયર બ્રિગેડ શાખાને જાણ કરતાં ફાયર બ્રિગેટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ફાયર શાખાના સચિન પરમાર, જીગ્નેશ જેઠવા, સાવન ગોસ્વામી,જય ભાટ્ટી, વિશાલ ગોરે મૃતકની લાશને તળાવમાંથી બહાર કાઢી પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડી હતી. દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો દ્વારા યુવકની ઓળખ કરાઇ હતી.

હતભાગી સંજય કિશોરભાઇ સથવારા (ઉ.વ.35) રહે સરપટ નાકા બહાર સથવારાવાસ જે માનસિક રીતે બીમાર હતો અને બે દિવસ પૂર્વે ગુમ થઇ ગયો હતો. તેની સઘન શોધખોળ બાદ તેનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળી આવ્યો છે. હતભાગી યુવાનની માનસિક બિમારીની દવા પણ ચાલતી હતી તે અગાઉ પણ ઘરેથી નીકળી ગયો હતો બાદમાં પરત આવી ગયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ યુવાનના મોત પાછળના કારણો જાણવા પીએસઆઇ ટી.એચ.પટેલે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
બીજી તરફ,ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ગડા પાટિયા નજીક ફૂટબોલમાં હવા ભરાવવા જઈ રહેલા યુવાનનું ટ્રક નીચે ચગદાઈ જતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,તો સાથી યુવકને ઈજાઓ પહોંચી હતી.

ગત મંગળવારના સાંજે પાંચ વાગ્યાના અરસામાં અશોક નેતાભાઈ મારવાડા (ઉ.વ) 17 રહે.ખાવડા અને ચિરાગ જીણાભાઇ બારડ મૂળ.ડોળાસા,ગીર સોમનાથ હાલે ફાર્મ વીલા રિસોર્ટ.ભુજોડી.આ બંને યુવકો ટીવીએસ જ્યુપિટર જી.જે.12-સીએસ-4846 વાળી લઈને ફૂટબોલમાં હવા ભરાવવા નીકળ્યા અને ગડા નજીક બોરવેલ પાસે જી.જે.12-અઠ-3351 નંબરના ટ્રકના ટાયરમાં આવી જતા ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.તો અશોકને ડાબા પગમાં ગંભીર ઇજા થતા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય બાબત છે કે,મરણ જનાર યુવક ગઈકાલે જ ફાર્મ વિલાના સંચાલક વિજય સોની પાસે નોકરી માટે આવ્યો હતો.બીજા દિવસે નવરાશની પળોમાં ફૂટબોલ રમવા હવા ભરાવવા જતા તેને કાળ ભેટ્યો હતો.