સુરતમાં જુગારખાના પર સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો : 99 પકડાયા

સુરત: એક તરફ સમગ્ર દેશ-દુનિયા કોરોનાના કેર સામે લાચાર બનીને જીવી રહી છે ત્યારે સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળીયા ખાતે બે માળનું એરકન્ડિશનની સુવિધાયુક્ત જુગારખાનું ઝડપાયું છે.સુરતમાં કુખ્યાત એવા આસિફ ગાંડાના આ જુગારખાનામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાની મત્તા સાથે 99 જુગારીઓને ઝડપી લેવાયા છે. આ કામગીરી દરમ્યાન સ્થાનિક લોકો સાથેના સંઘર્ષને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી.પોલીસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ શહેરના બેગમપુરા વિસ્તારમાં આસિફ ગાંડા દવાર શટર બંધ કરીને બે માળની ઇમારતમાં અંદર જુગારખાનું ચાલતું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ પાસે નક્કર માહિતી હતી.આથી, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શટર તોડીને અંદર પ્રવેહ કર્યો હતો. બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલના આ સપાટાથી એ વાત પણ સ્પષ્ટ થઇ છે કે સ્થાનીય સ્તર પર પોલીસ તંત્રને આટલું મોટું જુગારખાનું ચાલતું હોય અને ખ્યાલ ન હોય તેવું ન બને.ક્યાંય ને ક્યાંય સ્થાનિક પોલીસની મીઠી નજર તળે આ જુગારખાનું ચાલતું હોય તેવી પ્રબળ શક્યતા છે.ત્યારે હાલ તો પોલીસ ઝડપેલા આરોપીઓની કાયદેસર કાર્યવાહી કરી રહ્યું છે.પરંતુ,આગામી સમયમાં આ રેડનો રેલો સ્થાનિક પોલીસ સુધી જશે તે સંભાવનાને લઈને સ્થાનિક પોલીસમાં પણ સોપો પડી ગયો છે.