મહારાષ્ટ્રનો પ્રેમી બાઇક પર પાકિસ્તાનની પ્રેમિકાને મળવા નિકળ્યો: કચ્છ સીમાએ અટક!

રેફ્યુજી’ ફિલ્મની જેમ પોતાની પ્રેમિકાને મળવા છેક મહારાષ્ટ્રથી પોતાની મોટરસાઇકલ લઈને એક યુવક,પૂર્વ કચ્છના રાપર તાબેના ખડીર પંથક નજીક આવેલા કચ્છના મોટા રણ થઈને પાકિસ્તાન પહોંચવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો મળી રહી છે.
સીમાવર્તી રાપરના ખડીર પંથકમાં એક અજાણ્યો યુવક બાઈક લઈ રઝળપાટ કરતો બે-ત્રણ દિવસથી જાગૃત ગ્રામજનોએ જોતાં આ અંગે પોલીસ તેમજ બીએસએફને જાણ કરી હતી.દરમિયાન, ગત ગુરુવારની સવારથી એકાએક પૂર્વ કચ્છ પોલીસ અને ગુપ્તચર સંસ્થાએ સ્થાનિક ગ્રામજનોની પૂછતાછ કરતાં અજાણ્યા યુવકની માહિતી મેળવી હતી.
આ યુવકે એક-બે વ્યક્તિઓને પૂછ્યું પણ હતું કે પાકિસ્તાન જવા માટે બીજો કયો રસ્તો સવળો પડે? અંતે આ યુવક અફાટ રણમાં રસ્તો ભટકી જતાં ખાવડા નજીક કાઢવાંઢ પાસે સરહદી સલામતી દળે ઝડપી લીધો છે.
આ ઘટના આજથી પાંચ દિવસ પૂર્વે મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ પોલીસ મથકે 11 જૂલાઈ 2020ના રોજ નોંધાયેલી એક યુવકની ગુમનોંધના આધારે પ્રકાશમાં આવી હતી. ઓસ્માનાબાદ સીટી પોલીસ મથકે સિદ્દીકી મોહમ્મદ ઝીશાનુદ્દિન મોહમ્મદ સલિમુદ્દીન નામના યુવકની ગુમ નોંધ તેના પરિવારજનોએ નોંધાવી હતી. ઝીશાન એન્જિનિયરીંગનો વિદ્યાર્થી છે. પોલીસે ઝીશાનના મોબાઈલની કોલ ડીટેઈલ અને લોકેશન ટ્રેસ કર્યાં બાદ તે ચોંકી ઉઠી હતી. તેના ફોનમાં અવારનવાર કલાકો સુધી ઈનકમીંગ-આઉટકમીંગમાં પાકિસ્તાની નંબર પર વાતચીત થતી હતી.
પોલીસે ઝીણવટભરી તપાસ કરી તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ ચેક કર્યાં તો એક પાકિસ્તાની યુવતી સાથેની ચેટની વિગતો સામે આવતાં જ ગુમ થયેલો યુવક પાકિસ્તાનની કોઈ છોકરીના પ્રેમમાં પાગલ છે તે બાબત પોલીસના ધ્યાને આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝીશાન હાલ કચ્છની બોર્ડર આસપાસ હોવાનું માલુમ પડ્યું હતું. મહારાષ્ટ્ર પોલીસે તુરંત તમામ વિગતો કચ્છ પોલીસને આપ્યા બાદ, આ પાગલ પ્રેમીને કોઈપણ ભોગે પાકિસ્તાન જતો અટકાવી પકડી પાડવા રણ સરહદે સરહદી સલામતી દળ સાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસે રાપરના અંતરિયાળ ખડીર વિસ્તારમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ યુવક બાઈક લઈને પાકિસ્તાન તરફ ગયો હતો. પોલીસે રણમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક સ્થળેથી કાદવમાં ફસાયેલું તેનું બાઈક મળી આવ્યું હતું. કાદવમાં યુવકના પગલાં પાકિસ્તાન તરફ આગળ જતાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે રણમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હોઈ બાઈક કળણમાં ફસાઈ ગયું હતું. જેથી યુવક ’રેફ્યુજી’ ફિલ્મની કથાના હીરોની જેમ પગપાળા જ પાકિસ્તાન તરફ જવા નીકળ્યો હતો.
કચ્છના અફાટ મોટા રણમાં પ્રેમિકાને મળવા નીકળેલો યુવક રસ્તો ભટકી ગયો હતો. તે ખડીરથી પાકિસ્તાન જવાના બદલે ભારતીય સીમામાં ખાવડા નજીક કાઢવાંઢ પાસે શેરગિલ પોસ્ટ પાસે પગપાળા આવી ગયો હતો. આ વિસ્તાર સામાન્ય નાગરિકોની અરજવર માટે પ્રતિબંધિત છે. ત્યાં હાજર બીએસએફ જવાનોએ યુવકને ઝડપી પાડી પૂછતાછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બીએસએફ દ્વારા ઝીશાન પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.
ઝીશાન પ્રેમિકાના બદલે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની હની ટ્રેપનો પણ શિકાર બન્યો હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. વધુ વિગતો પોલીસની પૂછતાછમાં સ્પષ્ટ થશે. કચ્છ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતાં મહારાષ્ટ્ર પોલીસ ઝીશાનનો કબ્જો લેવા કચ્છ આવવા રવાના થઈ ગઈ છે તેવું ઓસ્મનાબાદ સીટી પોલીસના પીએસઆઈ શેખે જણાવ્યું છે.