GPSCના પરિણામમાં છેડછાડ કરનાર અંજારનો યુવક પકડાયો

જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં છેડછાડ કરી બોગસ દસ્તાવેજો ઉભા કરનાર અંજારના યુવાન સામે ગાંધીનગર સેકટર-7 પોલીસ મથકે આયોગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે ગત રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ગાંધીનગર સેકટર-7 પોલીસ મથકમાં જીપીએસસીના નાયબ સેક્શન અધિકારી ગૌરવ જગમાલભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે જીપીએસસી દ્વારા જુલાઈ 2019માં ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1 અને 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે કચ્છ અંજારના 75, ચિત્રકૂટ સોસાયટી-2માં રહેતા ભાવિક જેન્તીભાઈ અડીયેચાએ જીપીએસસી ખાતે અરજી કરી હતી, જેમાં તેણે રજૂઆત કરી હતી કે, 4 જુલાઈ 2019ની પરિક્ષામાં તેનું નામ હતું.જેમાં સુધારો કરીને 5 જુલાઈએ બીજાનું નામ ઉમેરી દેવાયું છે. જેથી જીપીએસસી દ્વારા તેને બોલાવતા યુવકે પરિણામ જાહેર થયું હોય તેની નકલ રજૂ કરી હતી, જેમાં મેરિટ ક્રમાંક -13 માં પોતાનું નામ અને જન્મ તારીખ બતાવ્યા હતા. જેથી કચેરી દ્વારા ભાવિકના બેઠક ક્રમાંકના આધારે તપાસ હાથ ધરાતા તેણે પ્રાથમિક પરિક્ષા જ આપી ન હોવાનું સામે આવ્યું હતું. જે બનાવ અંતર્ગત આરોપી ભાવિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી ગાંધીનગર સેકટર-7 પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગત રાત્રે આરોપી ભવિકની ધરપકડ કરી લીધી હતી. તો બીજી તરફ પોલીસ વર્તુળ માંથી મળતી વિગતો મુજબ આરોપી ભાવિક ગાંધીનગર પોલીસ સામે પણ પોતે સાચો હોવાનું રટણ કરી પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરી રહ્યો હતો.