રેમડેસિવીર ઇન્જેકશનના કાળાબજાર કરનારી ટોળકી ઝડપાઇ
કોરોનાની સારવારમાં અકસીર ગણાતા રેમડેસિવીર ઇન્જેકશનની મૂળ કિંમત એક ઇન્જેકશનના રૂપિયા ૫૪૦૦ છે, પણ એ ઇન્જેકશન કાળાબજારમાં રૂપિયા ૩૦,૦૦૦માં વેચનાર ટોળકીના સાત જણને એફડીએ(ફૂડ અૅન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)અને ક્રાઇમ બ્રાંચ યુનિટ-૭ ઘાટકોપરના અધિકારીઓએ સંયુક્ત કાર્યવાહી કરી ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ૧૩ ઇન્જેકશન પણ હસ્તગત કરાયા હતા. તમામ આરોપીઓને ગઈ કાલે હોલીડે કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેમને ૨૪ જુલાઈ સુધીના પોલીસ રિમાંડ મંજૂર કર્યા હતા.
રેમડેસિવીર દવાના કાળાબજાર થાય છે અને લોકો પાસેથી છ ગણા પૈસા વસૂલવામાં આવે છે એવી માહિતી એફડીએના ઇન્સ્પેક્ટર શરદ નાટેકરને ૧૮ જુલાઈના મળી હતી. એથી આ બાબતે મુંબઈ પોલીસની ક્રાઇમ બાંચની મદદ લીધી હતી. ક્રાઇમ બ્રાંચ યુનિટ-૭ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ તાવરેએ આરોપીઓને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. તેમણે બનાવટી ગ્રાહકને ટોળકીના સભ્ય પાસે એ દવા ખરીદવા સંપર્ક કરવા કહ્યું હતું. સંપર્ક કરતા એ ઇન્જેકશન ૩૦,૦૦૦માં મુલુંડ-વેસ્ટમાં બાલરાજેશ્વર મંદિર પાસે ડિલિવર કરવાનું નક્કી થયું હતું.
એ છટકામાં આરોપીઓ આબાદ સપડાઈ ગયા હતા. ઇન્જેકશન વેચવા આવેલા વિકાસ દુબે અને રાહુલ ગાલાને રંગેહાથ ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી હેતેરો લૅબ્સ લિમિટેડનું કોવિફોર(રેમડેસિવીર ઇન્જેકશન) એક ઇન્જેકશન વાઇલ જપ્ત કરાયું હતું. ત્યાર બાદ તેમને તાબામાં લેવાયા હતા. રાહુલ ગડાના ઘરમાંથી બીજા ૬ ઇન્જેકશન મળી આવ્યા હતા.
ત્યાર બાદ તેમની વધુ પૂછપરછ કરાતાં તેમણે વટાણા વેરી દીધા હતા અને ટોળકીના અન્ય સભ્યો ભાવેશ શાહ, આશિષ કનોજિયા, રિતેશ ઠોંબરે, ગુરવિંદર સિંહ અને સુધીર પૂજારી (ડેલ્ફા ફાર્માસ્યુટિકલ -ઘાટકોપર)ના નામ આપતાં તેમને પણ ઝડપી લેવાયા હતા. ૬ ઇન્જેકશન એક આરોપીના ઘરેથી અને બીજા ૬ ઇન્જેકશન ગુરવિંદર રાઠોડ પાસેથી એમ કુલ ૧૩ ઇન્જેકશન આ કાર્યવાહીમાં જપ્ત કરાયાં હતાં. ઉપરોક્ત બધા જ આરોપી ફાર્માસ્યુટિકલ કંપની અને દવાની દુકાનમાં સેલ્સમેન તરીકે અથવા એમઆર તરીકે કામ કરે છે.
તમામ આરોપીઓ સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર(૪૮૯/૨૦૨૦) નોંધી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) ૩૪ (સાથે મળી ગુનાહિત કૃત્યને અંજામ આપવો) સાથે ૨૬ (ઔષધ કિંમત નિયંત્રણ આદેશ ૨૦૧૩, જીવનાવશ્યક વસ્તુ અધિનિયમ ૧૯૫૫) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.