પહેલા પ્લાનમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ ઝેરની ધારી અસર થઈ ન હતી. તેણે તરત જ બીજો પ્લાન અમલમાં મૂક્યો અને સિરિયલની જેમ પતિને મીઠીમીઠી વાતો કરીને બેડરૂમમાં લઈ ગઈ. આંખે પાટા બાંધવાની રમત શરૂ કરીને પતિ કંઈ સમજે તે પહેલાં જ તેણે ચપ્પાના ઉપરાછાપરી ઘા મારી પતિની હત્યા કરી દીધી હતી. મૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાકજી ચૌધરી અને તેની પત્ની ઉમિયા ચૌધરી 10 દિવસ પહેલા ગાંધીનગરના સેકટર-26માં મકાન ભાડે રાખીને રહેતા હતા. પત્ની વારે ઘડીએ પિયર જતી હોવાથી પતિ તેને ટોકતો હતો. આ ઉપરાંત નાની વાતોમાં ઝઘડા થતા હતા અને શમી જતા હતા પરંતુ ઉમિયાને તેનો પતિ ખટકવા લાગ્યો હતો. સામાન્ય માણસ વિચારી પણ ન શકે તેવી ક્રૂરતા સાથે ઉમિયાએ કાવતરું ઘડ્યું હતું. 14મી જુલાઈની રાત્રે તેણે પતિ વાકજીને કહ્યું કે, આપણી વચ્ચે ઝઘડા થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યા પણ છે. હું તમારા માટે ભભૂત લાવી છું. આ ખાઈ લો બધી બાબત શાંત થઈ જશે. આમ, ભભૂતના નામે તેણે પતિને ઉંદર મારવાની ઝેરી દવા પીવડાવી હતી. ડીવાયએસપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે, રાત્રે 11 સુધી ઝેરી દવાની અસર થઈ ન હતી. પણ, વાકજીને આ વાતની ખબર પડી જશે તો પોતાને મારી નાખશે તેવું ઉમિયાને લાગ્યું હતું. જેથી તેણે તરત જ બીજો પ્લાન અમલમાં મૂક્યો. પતિ સાથે મીઠીમીઠી વાતો શરૂ કરી અને તેને તરત જ વિશ્વાસમાં લઈ લીધો હતો. પતિની આંખો પર પાટા બાંધીને એક રમત રમવા માટે કહ્યું હતું. પ્રેમથી ભીંજાયેલો પતિ રમત રમવા તૈયાર પણ થઈ ગયો. આંખે પાટા બાંધી ઉમિયાએ થોડો સમયસારીસારી વાતો કરી અને તક જોઈને તરત જ ચપ્પાના ઘા ઝીંકવા માંડ્યા. વાકજીના પેટમાં ઉપરાછાપરી આઠ ઘા વાગ્યા અને તેના આંતરડા પણ બહાર આવી ગયા. રૂમમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.પતિના મોત બાદ તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હથિયારને પાણીથી ધોઈ નાખ્યું હતું. પછી ઉમિયાએ તેના પિતાને ફોન કર્યો અને પતિની તબિયત સારી નથી તેમ જણાવ્યું હતું. થોડીવાર બાદ પોલીસ પણ ત્યાં પહોંચી અને વાકજીની લાશ લોહીના ખાબોચિયામાં પડેલી હતી. ઉમિયાએ જ પતિની હત્યા કરી હોવાની પોલીસને અને પરિવારજનોને પહેલેથી શંકા હતી, પરંતુ ચાલાક મહિલા ગુનો કબૂલવા તૈયાર ન હતી. આખરે પૂછપરછ દરમિયાન તેણે પોતાની શેતાની યોજનાની સિલસિલાબંધ વિગતો અંગે ખુલાસો કર્યો હતો. જો કે પતિ-પત્નીના આ ઝઘડામાં પિયર જવાની તકરાર ઉપરાંત અન્ય કોઈ રહસ્ય પણ સમાયેલું હોવાનું પોલીસ માની રહી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે