બોટાદ જીલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત ૨.૫૦ લાખ વૃક્ષોના વાવતેરનું આયોજન *

રોજગારીનો લાભ મેળવી વૃક્ષ વાવતેર નું “મારું ગામ હરિયાળું ગામ અને મારી રોજગારી” સૂત્ર
સાર્થક કરતા રાણપુર તાલુકાના સુંદરીયાણા ગ્રામજનો


માહિતી બ્યુરો, બોટાદઃ
હાલમાં કોરોના વાઇરસ મહામારીના કારણે જીલ્લામાં લોકોની આવકના સ્ત્રોત બની નરેગા યોજના હેઠળ જીલ્લામાં ૫.૮૦ લાખ માનવદિનની કામગીરી ગ્રામ્યકક્ષાએ ઉપલબ્ધ કરાવી ૧૧૨૦.૦૦ લાખ રૂપિયાની ગ્રામ્યકક્ષાએ રોજગારી ઉપલબ્ધ કરવામાં આવી હતી.
નરેગા યોજના હેઠળ જે તે વિસ્તારના સ્થાનિક લોકોને રોજગારીનો લાભ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી લલિત નારાયણ સિંગ સાંધુના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની રાહબરી હેઠળ જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને ઘર આંગણે રોજગારીનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કના ઉપયોગ અને અન્ય જરૂરી તમામ પ્રકારની સાવચેતી-સુવિધાઓ સાથે બોટાદ જિલ્લામાં નરેગા યોજના અંતર્ગત ૨.૫૦ લાખ વૃક્ષોના વાવતેરનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ્યકક્ષાએ જાહેર જગ્યા, પ્રાથમિક શાળામાં વનીકરણ, રોડ સાઈટ, નાના ખેડૂતને વ્યક્તિગત વાડીમાં બ્લોક પ્લાન્ટેશનમાં બાગાયતી ખેતી જેવી નરેગા યોજનાની કામગીરી છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચાડવાનું આયોજન છે.
નરેગા યોજના અંતર્ગત વૃક્ષ વાવેતરના આયોજન માટે દરેક ગામના અગ્રણીઓ દ્વારા વૃક્ષ વાવેતર માટેની જગ્યાના ગ્રામસભાના ઠરાવ મેળવી ગામના જોબકાર્ડ ધરાવતા શ્રમિકોની કામની માંગણી યાદી સાથે તાલુકા પંચાયત કચેરીમાં કામગીરીની મંજુરી મેળવવા સહિતની કામગીરીનો સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષ વાવતેરની આ ભગીરથ કામગીરીમાં જોડાવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંગ સાંધુએ તમામ અનુરોધ કરેલ છે.
રાણપુર તાલુકાના સુંદરીયાણા ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. સુંદરીયાણા ગામના સ્મશાન અને જાહેર જગ્યામાં ૨૦૦ રોપાઓનું વાવતેર કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ગઢિયા, મનરેગાના નાયબ જીલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર, રાણપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી, આર.એફ.ઓ, તલાટી મંત્રી સહિત નરેગા તાલુકા ટીમના સભ્યો ઉપસ્થિત રહયા હતાં