ભુજના યુવાન સાથે રાજકોટના દંપતિએ કરી ચિટિંગ
ભુજના યુવકને રાજકોટના દંપતિએ કંપનીમાં સુપરવાઇઝરની નોકરી અપવાની લાલચ આપીને કંપનીનો 3 લાખ 15 હજારનો માલ ખરીદાવી તે નહિ વહેચાંતાં માલ પરત લઇ જઇ બાકીના 2 લાખ 34 હજાર ખાતામાં જમા કરાવી દેવાનું કહી રૂપિયા જમા ન કરાવીને વિશ્વાસધાત છેતરપીંડી કરતાં આરોપીઓ વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
દક્ષાબેન અશોકકુમાર ધોળકિયા (ઉ.વ.65) રહે પ્રમુખ સ્વામીનગર પ્લોટ નંબર 894મા મુન્દ્રા રિલોકેશનની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત 12 એપ્રિલના 2015ના બન્યો હતો. ભુજના લાયન્સ હોલ મધ્યે હર્બલ લાઇફ ઇન્ટરનેશનલ ઇન્ડિયા કંપનીનો સેમીનાર યોજાયો હતો. જે સેમીનારમાં ફરિયાદી પુત્ર વિશ્વેશને રાજકોટના જીતેન્દ્ર ઠકકર અને તેની પત્નિ પારૂલ ઠકકરે 5 હજાર ભરાવીને રાજકોટ ખાતે ટ્રેનિંગ માટે બોલાવ્યો હતો. અને હર્બલ લાઇફ ઇન્ટરનેશનલ કંપનીની પ્રોડક્ટ ખરીદવાનું કહી તમે જેટલી વધુ પ્રોડક્ટ ખરીદીને વેચશો તો તમને કંપનીમાં સુપરવાઇઝર બનાવી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદીના દિકરાએ જલદીથી સુપરવાઇઝર બનાવની લાલચમાં 3,15,000નો માલસામાન ખરીદ્યો હતો. બાદમાં 30 હજારનો માલ વેચાઇ ગયા બાદ પોણા ભાગનો માલ લાબાં સમય સુધી ન વહેચાતાં ફરિયાદી મહિલાના પુત્રએ માલ પરતની વાત કરતા આરોપીઓ ફરિયાદીના ઘરે આવીને 2,34,000નો માલ પરત લઇ ગયા હતા અને રૂપિયા ફરિયાદી મહિલાના પુત્રના બેન્કના ખાતામાં જમા કરાવી દેવાની વાત કરી હતી. બાદમાં રૂપિયા પરત આપવામાં ઠાગા ઠૈયા કરી બેન્કના ખાતામાં જમા ન કરાવતાં આખરે આરોપીઓ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.