ભુજમાં ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઇ કરનારા ત્રણ શખ્સો પાજરે પુરાયા

 

 

 

 

ભુજોડી અને દેવપરના શખ્સોની સાથે 1.77 લાખના ટ્રકના સ્પેર પાર્ટો ખરીદનાર અંજારના ભંગારના વાડાના વેપારીને પણ પકડી લેવાયા

ભુજ. ભુજના સંસ્કારનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તેથી ટ્રકોની ખરીદી કરી પુરા રૂપિયા ન ચુકવી ટ્રકોને બારો બાર વહેચી મારી ઠગાઇ કરનારા ભુજોડી અને નખત્રાણાના દેવપરના બે શખ્સોને બી ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા. પુછતાછમાં ટ્રકના ,77,800ની કિંમતના સ્પેર પાર્ટો ખરીદનાર અંજારના ભંગારના વાડાના વેપારીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 21મી જુલાઇના બી ડિવિઝન પોલીસ મથકમાં ભુજના ટ્રાન્સપોર્ટર વેલજીભાઇ ખેંગારભાઇ આહિરએ વિશ્વાસધાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભુજોડી ગામના કાસમ આમદ રાયમા અને નખત્રાણા તાલુકાના દેવપર યક્ષના આરોપી રમજાન જુસબ લુહારે ફરિયાદી પાસેથી હપ્તેથી ટ્રકનો સોદો કરીને પુરા નાણા ન ચુકવીને ટ્રકો સગેવગે કરી નાખી હતી. આ કેસમાં બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં કાસમ રાયમા અને રમજાન લુહારને ઝડપી પાડીને સઘન પુછતાછ હાથ ધરતાં ટ્રકોને બારો બાર વહેચી દેવાઇ હોવાનું અને ટ્રકના સ્પેરપાર્ટ અંજારના ભંગારના વાળામાં હોવાનું બહાર આવતાં પોલીસે અંજારના ભંગારના વાડાના વેપારી સુલેમાન સીધીક મીંઢા રહે વીરા તાલુકો અંજારવાળાને 1,77,800ની કિંમતના ટ્રકના સ્પેર પાર્ટો સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એસ.બી.વસાવા, પીએસઆઇ વી.એચ.ઝાલા, એએસઆઇ નીરૂભા ઝાલા, સુરજભાઇ વેગડા, નટવરભાઇ પરમાર, વિજયભાઇ ખાંટ સહિતનો સ્ટાફ જોડાયો હતો.