કોરોનાનો કહેર: રાજકોટમાં વધુ ૧૦ના મોત

રાજકોટ: કોરોનાએ કારમા ઘા દેવાનું યથાવત રાખ્યું છે. રવિવારે શહેરની સિવિલ હોસ્પિટલના કોરોના કોવિડ સેન્ટર અને ખાનગી હોસ્પિટલમાં ૧૧ દર્દીના ભોગ લેવાયા બાદ આજે એટલે કે રવિવાર રાતથી આજ સોમવાર સવાર સુધીમાં સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટમાં વધુ ૧૦ દર્દીઓના ટપોટપ મોત થતાં ફફડાટ ફેલાઇ ગયો છે. મૃતકોમાં રાજકોટના બે વૃધ્ધ અને એક યુવાનનો પણ સમાવેશ થાય છે. તે સાથે બે દિવસનો મૃત્યુઆંક ૨૧ થઇ ગયો છે.જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલના કોરોના કોવિડ-૧૯ સેન્ટરમાં રાત્રીથી સવાર સુધીમાં એક પછી એક ૧૦ દર્દીએ અંતિમ શ્વાસ લેતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જે મૃત્યુ પામ્યા તેમાં મોટા ભાગનાના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતાં. અમુકના રિપોર્ટ આવવાના બાકી છે. જે હતભાગી દર્દીઓનો જીવ લેવાયો છે તેમાં રાજકોટના રૈયારોડ ડ્રીમસીટીના મુકેશભાઇ શાંતિલાલ છત્રાળા (ઉ.વ.૬૦), દૂધ સાગર રોડ ગુલશન પાર્કના શાહબુદ્દીનભાઇ હબીબભાઇ હાલાણી (ઉ.વ.૬૦), ભગવતીપરાના અક્ષય પ્રભાતભાઇ મૈયડ (ઉ.વ.૧૯), ધોરાજી પીપળીયાના હુશેનભાઇ સીડા (ઉ.વ.૭૮), જામકંડોરણાના મનસુખભાઇ સરવૈયા (ઉ.વ.૬૦), વાંકાનેર હસનપરના ઇકબાલભાઇ ગુલામહુશેન બુખારી (ઉ.વ.૫૪), વીસાવદર સાણથલીના વલ્લભભાઇ ચનાભાઇ દાફડા (ઉ.વ.૭૩), વેરાવળ સોમનાથના રંગીતાબેન રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૮), શિવગઢ કચ્છના નાનુબેન જગદીશભાઇ ચોૈધરી (ઉ.વ.૨૫) અને રતનપર સુરેન્દ્રનગરના રૂસ્તમશા બફાતીશા દિવાન (ઉ.વ.૬૩)નો સમાવેશ થાય છે. ભગવતીપરાના અક્ષય મૈયડનો રિપોર્ટ પોઝિટિવ હતો. તેને કિડનીની બિમારી હોઇ અઠવાડીયે ત્રણ વખત બી. ટી. સવાણીમાં ડાયાલિસિસ કરાવાવમાં આવતું હતું. પરમ દિવસે રિપોર્ટ પોઝિટિવ આવતાં ગઇકાલે જ તેને બી.ટી. સવાણીમાંથી સિવિલના કોવિડ-૧૯માં દાખલ કરાયો હતો. પરંતુ રાત્રે મોત નિપજ્યું હતું. અક્ષયના સ્વજને આક્ષેપ કર્યો હતો કે કોવિડમાં વેન્ટીલેટર પર રાખવાની સવાણી હોસ્પિટલમાંથી સુચના હતી છતાં અક્ષયને પાંચમા માળે રખાયો હતો અને તેનો દમ તુટી ગયો હતો. મુકેશભાઇ છત્રાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ હતો. આ ઉપરાંત રતનપર સુરેન્દ્રનગરના રૂસ્તમશા બફાતીશાનો રિપોર્ટ પણ પોઝિટિવ હતો. તે શુક્રવારે દાખલ થયા હતાં. અન્ય દર્દી રંગીતાબેન ચોૈહાણ, નાનુબેન ચોૈધરીનો રિપોર્ટ આવવાનો બાકી છે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે રવિવારે સિવિલ અને ખાનગી હોસ્પિટલના મળી ૧૧ દર્દીઓનો ભોગ લેવાયો હતો. ત્યાં એક જ રાતમાં સિવિલમાં ૧૦ દર્દીઓના ટપોટપ મોત નિપજતાં ફફડાટ ફેલાઇ ગયો છે. આમ બે દિવસમાં મૃત્યુઆંક ૨૧ થઇ ગયો છે. તમામ મૃતદેહોને અંતિમવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવતાં રાતભર ફાયર બ્રિગેડના જવાનોને દોડધામ કરવી પડી હતી.