અમરેલીનાં કેરાળા ગામે પરિણીતાનાં અપહરણ બાબતે કૌટુંબીક ભાઇઓનો પિતા-પુત્રો પર હુમલો કરાયો

અમરેલી તાલુકાનાં કેરાળા (વિરડીયા) ગામે દોઢેક વર્ષ પહેલા એક પરીણીતાને ભગાડી જવાના કારણે કૌટુંબિક ભાઇઓ વચ્ચે ચાલતા મનદુ:ખના કારણે એક આધેડ તથા તેમના બે પુત્રોને તેમના કૌટુંબીક ભાઇઓ-ભત્રીજાઓએ લોખંડના પાઇપ, લાકડી આડેધડ માર મારી અને એક ઉ5ર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ કર્યાની ફરીયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાય છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી તાલુકાનાં કેરાળા (વિરડીયા) ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતા દિનેશભાઇ ઉર્ફે બીજલભાઇ જીવાભાઇ રાઠોડ નામના 50 વર્ષીય આધેડના પુત્ર ભાવેશભાઇ, પત્નિ ગીતાબેનને દોઢેક વર્ષ પહેલા કૌટુંબિક લાલો અરજણભાઇ રાઠોડ ભગાડીને લઇ ગયેલ તે સમયથી આ બંને કૌટુંબિક પરિવાર વચ્ચે મનદુ:ખ હોય.

ત્યારે ગત તા. 25 નાં રાત્રીના સમય આધેડ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે હતા ત્યારે સામાવાળા અરજણભાઇ વિરાભાઇ રાઠોડ તથા સુરાભાઇ વિરાભાઇ રાઠોડ આધેડનાં ઘરે આવી કહેલ કે તમે અમારી વાતો શું કામ કરો છો ? તેમ કહી ઉશ્કેરાઇ જઇ આધેડને પાઇપ વડે માર મારતા તેમને છોડવવા આધેડના પુત્રો ભાવેશભાઇ તથા હીતેશભાઇ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

જેમાં સામાવાળા લાલા અરજણભાઇ રાઠોડે હીતેશભાઇને માથાના ભાગે પાઇપ મારી જીવલેણ હુમલો કરતા આ ધીંગાણામા ઘવાયેલા ત્રણેય બાપ-દિકરા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે દિનેશભાઇ રાઠોડે અમરેલી તાલુકા પોલીસમાં 4 ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.