ઉમરપાડાના બીલવાણમાં ફુવાજી અને તેના ભાઈએ ભત્રીજાને લાકડીથી માર માર્યો
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બીલવાણ ગામે ફોઇ અને તેના પતિ વચ્ચે ઝગડો થતાં વચ્ચે બચાવવા ગયેલ ભત્રીજાને ફુવાજી અને તેના ભાઈએ લાકડીના સપાટા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં બીલવાણ ગામે ઘાટા ફળિયામાં રહેતા મેહુલભાઈ હીરાલાલભાઈ વસાવા ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. ગતરોજ રાત્રિના સમયે ફળિયામાં રહેતી તેમની ફોઇ અંજનાબેન રમેશભાઈ વસાવાના ઘરે બોલાચાલી ઝગડો થતાં મેહુલ તેના ભાઈ ધ્રુવીક સાથે તરત જ ફોઈના ઘરે પહોંચ્યા હતા. તે સમયે અંજનાબેન સાથે તેનો પતિ રમેશભાઈ માનસિંગભાઈ વસાવા ઝગડો કરી રહ્યો હતો. જેથી તેમને ઝગડો નહીં કરવા જણાવતા રમેશભાઈના ભાઈ વાસુભાઈ માનસિંગ વસાવાએ મેહુલને લાકડી વડે મોઢાના ભાગે સપાટો મારી દીધો હતી અને રમેશભાઈ તથા વાસુભાઈએ મેહુલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે ગામના લોકો ભેગા થઈ જતાં આ બંને ત્યાંથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત મેહુલને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.