અંજારના રેલવે મથક જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે શૈલેશ નટવરલાલ દરજી (ઉ.વ. 23) નામના યુવાનની હત્યાના બનાવમાં રેલવેની એલ.સી.બી.એ એક શખ્સની ધરપકડ કરી હતી.
કચ્છકેરન્યૂઝ ભુજ : અંજારના રેલવે મથક જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે શૈલેશ નટવરલાલ દરજી (ઉ.વ. 23) નામના યુવાનની હત્યાના બનાવમાં રેલવેની એલ.સી.બી.એ એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સને જેલ હવાલે કરાયો હતો. અંજારના નવા નગર વિસ્તારમાં રહેનારો શૈલેશ નામનો યુવાન ગત તા. 26-11-2017ના સવારે જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનને સારવાર અર્થે અંજાર, ભુજ અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આ યુવાને સારવાર દરમ્યાન ગત તા. 1-12-2017ના આંખો મીંચી લીધી હતી. બાદમાં આ અંગે યુવાનના પિતા નટવરલાલ વીરજી દરજીએ રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. આ અંગે શરૂઆતમાં ગાંધીધામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. બાદમાં અમદાવાદ રેલવેની એલ.સી.બી. પણ આ તપાસમાં જોડાઇ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યાનો તાગ મેળવવા પોતાના ઘોડા દોડાવ્યા હતા. દરમ્યાન નવાનગરમાં જ રહેતા હિતેન્દ્રસિંહ જોરુભા વાઘેલા નામના શખ્સની અટક કરવામાં આવી હતી. આ શખ્સના મકાનમાંથી અગાઉ ચોરી થઇ હતી. જે અંગે તેણે પોલીસ મથકે ફરિયાદ કરી નહોતી અને આ ચોરી શૈલેશે કરી હોવાનો તેને શક હતો. દરમ્યાન તે શૈલેશને રેલવેના પાટા બાજુ દારૂ પીવા લઇ ગયો હતો. જ્યાં તેણે આ યુવાન ઉપર ધારિયા વડે હુમલો કરી નાસી ગયો હતો. આ શખ્સ પાસેથી પોલીસે ધારિયું કબજે લીધું હતું. તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો હતો. આ બનાવની આગળની તપાસ એલ.સી.બી.પો.ઇ. આર. એમ. દવેએ હાથ ધરી છે.