અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ, જાણો શહેરમાં બનેલી બે ચોંકાવનારી ઘટનાઓ

અમદાવાદમાં અનલોકનાં તબક્કા બાદ ક્રાઈમગ્રાફ સતત ઉંચો આવી રહ્યો છે. અને અમદાવાદમાં લુખ્ખાઓને પોલીસની કોઈ બીક જ હોઈ તેવી ઘટનાઓ સામે આવી રહી છે. હજુ તો ગઈકાલે વટવા વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા તલવાર વડે આતંક મચાવવાની ઘટના તાજી જ છે, ત્યાં અમદાવાદના વાડજ વિસ્તાર અને મેઘાણીનગર વિસ્તારમાં લુખ્ખાઓની દાદાગીરીનાં ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતાં વેપારી અને તેની માતા પર લુખ્ખાઓએ હુમલો કરી દીધો હતો. મોડે સુધી ઘર બહાર બેસવાની ના પાડતાં લુખ્ખાઓ આક્રોશમાં આવી ગયા હતા. જે બાદ બે ઈસમોએ વેપારી અને તેની માતાને માર માર્યો હતો. જેમાંથી એક ઈસમે વેપારીને માથાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વાડજ બાદ અમદાવાદના મેઘાણીનગરમાં પણ અવારનવાર અસામાજિત તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે. આ સમયે પણ મેઘાણીનગરમાં લુખ્ખા તત્વો દ્વારા એક્ટિવા સળગાવવામાં આવી હતી. એક્ટિવા સળગાવનાર લુખ્ખાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. અને વીડિયો ફૂટેજના આધારે મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગરમાં અગાઉ પણ લુખ્ખા તત્વો દ્વારા આ પ્રકારની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. તેવામાં મેઘાણીનગર પોલીસ દ્રારા લુખ્ખાઓને કાબૂમાં રાખવા અને કાયદાના પાઠ ભણાવવા લોકો માગ કરી રહ્યા છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર