કચ્છના હરામીનાળામાંથી એક માછીમાર સાથે ચાર પાકિસ્તાની બોટ પકડાઈ

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાકિસ્તાન ઘુસણખોરી જેવી નાપાક કોશિશ સાથે કોઈ અટકચાળો કરે તેવી આશંકા હોવાથી ભારત- પાકિસ્તાન બોર્ડર પર જડબેસલાક જાપ્તો ગોઠવાયો હતો. સરકાર દ્વારા હાઈએલર્ટ જાહેર કરાયું હોવાથી સરહદ પર બીએસએફ સહિતના જવાનો વધુ સર્તક બની પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે જ વહેલી સવારે કચ્છના હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનીઓ દ્વારા ૪ થી ૫ બોટ  સાથે ઘુસણખોરી કરવાનો નાપાક  પ્રયાસ કરાયો હતો. જો કે, બીએસએફે સર્તકતા બતાવતા પાકિસ્તાનીઓની આ ચાલ સફળ નીવડી હતી.  એક પાકિસ્તાની સાથે ૪ બોટ બીએસએફ ઝડપી પાડી હતી. 

મળતી માહિતી મુજબ બીએસએફના જવાનો જ્યારે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે હરામીનાળા પાસે વહેલી સવારે હલચલ જણાતા જવાનો તે તરફ ધસી ગયા હતા. જ્યાં ૪ થી ૫ બોટમાં સવાર પાકિસ્તાનીઓ  દ્વારા ભારત જળસીમામાં પ્રવેશવાની કોશિશ કરાતી હતી.  જોકે, બીએસએફની ટીમ આવી ચડતા પાકિસ્તાની ઘુસણખોરો ભાગી છુટયા હતા. પરંતુ તેમાંથી એક  માછીમાર  તાથા ૪ બોટ બીએસએફના હાથમાં આવી ગઈ હતી.  જે બાદ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી કરાયું છે. ભાગી છુટેલા પાકિસ્તાનીઓને પકડવા તલાસી અભિયાન વેગવતું કરવા ઉપરાંત બોટને કિનારે લાવવામાં આવી હતી. તેમજ પકડાયેલા માછીમારને પ્રાથમિક પુછપરછ બાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો