રાજકોટ, જુનાગઢ અને ધોરાજીના ચાર શખ્સોએ બેંક કર્મીનું અપહરણ કરી રૂા.50 હજાર પડાવી લેવાયા

ઉપલેટામાં ઢાંકની ગારી, હરિકૃષ્ણનગર, માધવપાર્ક, બ્લોક નં. 5 માં રહેતા હાર્દિક કિશોરભાઇ ધામેચા (ઉ.વ. 27) એ ફરિયાદમાં જણાવ્યુ હતું કે હું એચડીએફસી બેન્ક લીમીટેડમાં કાર લોન વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરૂ છું મારે ધોરાજી, ઉપલેટા, માણાવદર એમ ત્રણ બ્રાંચો લોનની કામગીરી કરવાની હોય છે.સ ગઇ તા. 18/8 ના રોજ ઉપલેટા બેંકમાં હતો ત્યારે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને લોન કરવા માટે ધોરાજી બોલાવ્યો હતો. હું ધોરાજી બ્રાંચે ગયો ત્યારે મને ફરી ફોન આવ્યો કે મારી પાસે બધા કાગળો છે તમે નીચે આવી જોય લ્યો. જેનો ફોન આવ્યો હતો તેણે કહયુ હતું કે અમે સફેદ-કાળા કલરની આઇ-20 કારમાં બેઠા છીએ. હું ત્યાં ગયો તો મને કારમાં બેસવા કહયુ. કારમાં અગાઉથી ત્રણ લોકો હતા. તેમણે કહયું કે મારા બાપુજી આગળ ઉભા છે તેને લેવાના છે. એમ કહીં કાર હંકારી મુકી અને નાગરિક બેંક પાસે ઉભી રાખી ત્યા ઉપલેટા બેંક ઓફ બરોડામાં નોકરી કરતો વિવેક રૂપારેલીયા કારમાં આવી બેસી ગયો. અને ચારેય મને કારમાં જેતપુર હાઇવે પર લઇ ગયા. અને મને ઝાપટો મારી વિવેકેે પુછયું કે તને શું પ્રોબ્લેમ છે ? એમ કહી માર માર્યો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે અમારા પાડોશી રેખાબેન હરિભાઇ ધોકીયાની બચત વિમા પોલીસી વિવેકે લીધી હતી. જેના રૂપિયા સવાબે લાખ ચેક દ્વારા આપ્યા હતા. વિવેકે આ ચેક પોતાના ખાતામાં જમા કરી દીધો હતો અને બચત પોલીસ કરી નહોતી. જેની જાણ મને રેખાબેને કરતા મેં બેંકમાંથી તેમના રૂ.સવા બે લાખ પરત કરાવી દીધા હતા. જેનો ખાર રાખી વિવેકએ મને કહયું કે હવે આ સવા બે લાખ તારે મને વ્યાજ સાથે પાછા આપવા પડશે. તેમ કહી કારમાં અલગ-અલગ જગ્યાએ લઇ ગયા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.અંતે મેં તેમને રૂ.1.10 લાખ આપવાનું કહયું જેમાંથી રૂ.50 હજાર મેં જુદા-જુદા એટીએમમાંથી કાઢીને આપ્યા હતા. અને મને છોડી દીધો હતો. ગઇકાલે ફરી તેને મને આંગડીયુ કરવા કહયુ હતું મે આંગડીયુ ન કરતા ત્રણ અજાણ્યા નંબરમાંથી જે લોકો કારમાં હતા તેમનો ફોન આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને અપશબ્દો કહયા હતા.ફરિયાદના આધારે ધોરાજી પોલીસે વિવેક કીશોરભાઇ રૂપારેલીયા (રહે. બાલાજી ટાઉનશીપ જુનાગઢ), મુનાભાઇ ઘુઘાભાઇ જોગરાણા, લખમણભાઇ કારાભાઇ સાવલીયા (રહે બંને રાજકોટ) અને એક અજાણ્યા માણસ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.