જખૌ ખાતે મનરેગા યોજના હેઠળ માટીના કામ ચાલુ કરવા સબબે ગ્રામ પંચાયતમાં થયેલી વાતચીતનું કોલ રેકોર્ડીંગ કરી ભુજના એજન્સીના નિયામકને મોકલાવ્યાનું મનદુખ રાખીને પંચાયતના તલાટીએ ગ્રામ્ય વિકાસ એજન્સીના યોજનાનું કામ સંભાળતા યુવકને મોબાઇલ પર મેસેજ મુકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં જખૌ પોલીસ મથકમાં તલાટી વિરૂધ ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગામના 29 વર્ષિય જાગૃત યુવાન જતીન રમેશભમાઇ લાલકા (શાહ)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લ છ વર્ષથી નખત્રાણાની શ્રીરામ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને હાલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ વતી જખૌ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ તળાવના માટી કામ અંગેનું સંભાળતા હોઇ મનરેગાર યોજના હેઠળના તળાવના માટી કામ શરૂ કરવા વહીવટી મંજુરી માટે અગાઉ 18 જુન 2020ના જખૌ ગ્રામ પંચાયતના તલાટી જગદીશસિંહ જાડેજાને રજુઆત કરી હતી. તે વખતે વાતચીતનું કોલ રેકોર્ડીંગ ભુજ ખાતે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને મોકલ્યું હોવાનું મનદુખ રાખીને તલાટી જગદિશસિંહ જાડેજાએ બુધવારે ફરિયાદી જતીન લાલકાના મોબાઇલ ફોન પર જાગતો રહે છે તેવી કચ્છી ભાષામાં ધમકી આપી હોવાથી જાનનું જોખમ જણાતાં જખૌ પોલીસ મથકમાં તલાટી જગદીશસિંહ જાડેજા વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, આજ ફરિયાદીએ એક વર્ષ અગાઉ જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ- અને જેતે વખતના તલાટી રોહિત વિઠ્ઠલભાઈ ડાભી અને મનરેગા સુપરવાઈઝર સાથે મળીને મનરેગાના કામમાં ખોટા જોબ કાર્ડ બનાવીને મોટી રકમની ઉચાપત-ઠગાઈ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફોજદારી ફરિયાદ જખૌ પોલીસ મથકે નોંધાવી હતી.