ભચાઉમાં ભીષણ અકસ્માતમાં ત્રણ મોત

ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલ નજીક ઓવરબ્રિજ પાસે આગળ ઊભેલા ટ્રેઇલરમાં પાછળથી ક્રેટા કાર અથડાતાં કારમાં સવાર ગાંધીધામ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ એવા અમૃતલાલ કુંવરજી હાલાણી (ઠક્કર) (ઉ.વ.60), તેમના ભાઇ ભુદરલાલ કુંવરજી હાલાણી (ઠક્કર) (ઉ.વ.65) અને પાર્વતીબેન ભુદરલાલ હાલાણી (ઠક્કર)નું મોત થતાં અરેરાટી પ્રસરી હતી. ગાંધીધામના લોહાણા મહાજન સમાજના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી એવા અમૃતલાલભાઇ અને તેમનો પરિવાર મૂડ ડીસાના છે. અહીં રહેતા તેમના મોટા ભાઇ ભુદરલાલના સંતાનો પી.એમ. આંગડિયા સાથે સંકળાયેલા છે. અમૃતલાલ, ભુદરલાલ અને પાર્વતીબેન ડીસા ખાતે વેવાઇને ત્યાં લૌકિક પ્રસંગે’ ગયા હતા. ત્યાંથી બપોરે નીકળ્યા બાદ આજે રાત્રે તેમને ભચાઉમાં વાગડ વેલ્ફેર અને મામલતદાર કચેરી વચ્ચે આવેલા ઓવરબ્રિજ ઉપર અકસ્માત નડયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ક્રેટા કાર નંબર જીજે-12-ડીજી-9353 વાળી લઇને ડ્રાઇવર સાથે ડીસા ગયા હતા, પરંતુ તેમના અન્ય ભાઇ એવા અરવિંદભાઇ રાજસ્થાન બાજુ જતા હોવાથી રસ્તામાં ડ્રાઇવરને પોતાની સાથે લઇને ગયા હતા, જ્યારે આ ત્રણ હતભાગી કાર લઇને ગાંધીધામ આવી રહ્યા હતા. ભચાઉના અમારા પ્રતિનિધિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટ્રેઇલરમાં ધડાકાભેર કાર અથડાતાં અને અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લાશોને બહાર કાઢવામાં સહકાર આપ્યો હતો. થરપારકર લોહાણા સમાજના પણ પૂર્વ પ્રમુખ એવા અમૃતલાલ, તેમના ભાઇ ભુદરલાલ અને ભાભી પાર્વતીબેનને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેમના બનાવ સ્થળે જ મોત થયાં હતાં.આ બનાવના પગલે તેમના પરિજનો ભચાઉ પહોંચી આવતાં વાતાવરણ ભારે ગભગીન બન્યું હતું. આ વેળાએ ભચાઉ લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઇ ઠક્કર, મંત્રી અશ્વિનભાઇ ઠક્કર, પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, નગરસેવક વિજયસિંહ ઝાલા તથા પ્રવીણભાઇ દાફડા વગેરે સહયોગી બન્યા હતા. આ અકસ્માતને પગલે થયેલા ટ્રાફિકને સર્વિસ રોડ?ઉપર વાળવામાં આવ્યો હતો.’