ગાંધીધામ શહેરના કાર્ગોથી પી.એસ.એલ. રોડ પાસે મુસાફર ભરવા બાબતે બે શખ્સોએ એક યુવાન ઉપર લોંખડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. શહેરના કાર્ગો આંબેડકર નગર વિસ્તારમાં રહેનારો મોહમ્મદ રઈસ મોહમ્મદ રફીક અંસારી નામનો યુવાન બ્રિજબિહારીની રિક્ષા નંબર જી.જે. 12 – એ.યુ.-4246વાળી ભાડેથી ચલાવે છે. આજે સવારે આ યુવાન મુસાફરોને ઝોન વળાંક પાસે મૂકી પરત પી.એસ.એલ. કાર્ગોવાળા રોડ ઉપર આવ્યો હતો. તેનાથી આગળ સોમા ભરવાડ અને છગન ભરવાડની રિક્ષા ઊભી હતી. થોડીવાર બાદ આ ફરિયાદી એવા રઈસના ઓળખીતા મુસાફરો આવીને તેની રિક્ષામાં બેઠા હતા તેવામાં સોમા ભરવાડ અને છગન ભરવાડ લોખંડનો પાઈપ લઈને ત્યાં આવ્યા હતા અને અમારો વારો છે તેમ કહ્યું હતું. ત્યારે આ યુવાને મુસાફરો આવતા હોય તો લઈ જાઓ તેવું કહેતાં આ બન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીના માથામાં લોખંડના પાઈપ વડે પ્રહાર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જીવલેણ હુમલાના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.