ભુજમાં શ્રમજીવીના ઘરનું તાળું તોડી 21 હજારની માલમતા ચોરી કરી જવાઇ

શહેરમાં જૂની બકાલી કોલોની ખાતે મેરુલ પાર્ક પાસે રહેતા શ્રમજીવી રાજા જુમા ખલિફાનાં બંધ મકાનનાં તાળાં તોડીને તેમાંથી કોઇ હરામખોરો રૂા. 21 હજારની માલમતા તફડાવી ગયા હતા. તો બીજી બાજુ મુંદરા તાલુકામાં ભુજપુર બાયપાસ માર્ગ ઉપર ઊભેલા મોટી ભુજપુરના નવીન માણશી ગેલવાના ડમ્પરમાંથી રૂા. 18 હજારના 400 લિટર ડીઝલની તસ્કરી થયાનો મામલો દફતરે ચડયો છે. ભુજમાં જી.આઇ.ડી.સી. હંગામી આવાસ ખાતે કાર્યરત પારસ મોટર’ ગેરેજમાં કલરનું કામ કરતા રાજાભાઇ ખલિફા અને તેમના પરિવારના સભ્યો ઘરને તાળું મારીને સંબંધીના ઘરે શિકારપુર (ભચાઉ) ખાતે ગયા હતા ત્યારે પાછળથી મંગળવારે રાત્રિથી આજે સવાર સુધીમાં તેમના ઘરમાં ખાતર પડાયું’ હતું. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મકાનનું તાળું તોડીને અંદર ઘૂસેલા કોઇ હરામખોરો તિજોરીમાંથી રૂા. ચાર હજાર રોકડા, બે સોનાની વીંટી, કાનમાં પહેરવાની એક જોડી બુટી તથા ચાંદીના પટ્ટા મળી કુલ્લ રૂા. 21 હજારની માલમતા ચોરી ગયા હતા. જ્યારે ભુજપુર બાયપાસ માર્ગ ઉપર બાપા સીતારામ હોટલના પાર્કિંગ ખાતે ઊભા રખાયેલા મોટી ભુજપુરના નવીન ગેલવાના ડમ્પરમાંથી રૂા. 18 હજારનું ડીઝલ કોઇ ટાંકીમાંથી કાઢી ગયું હતું. ચોરીનો આ કિસ્સો મંગળવારે સાંજે બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. મુંદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે