ચાલુ ઋતુમાં વરસાદના કારણે ભરાયેલા નવા પાણી થકી મુંદરા તાલુકામાં આઠ વ્યકિતઓ મોતના મુખમાં ધકેલાઇ ચૂકી છે તેવા સમયે આજે ટોડા ગામે આ પ્રકારનું નવમું અપમૃત્યુ નોંધાયું હતું. જેમાં માત્ર એક વર્ષ પહેલા જેના લગ્ન થયેલા હતા તેવા 30 વર્ષની વયના મુસ્તાક રાયમાનો જીવનદીપ બુઝાયો હતો. આ હતભાગી યુવકના પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય વિધિ બાદ મૃતદેહ પરિવારજનોને સુપરત કરાતા ટોડામાં અંતિમવિધિ કરાઇ હતી. પોલીસેઆ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે હતભાગી મુસ્તાક ટોડા ગામે ભૂખી નદીમાં નહાવા પડયો હતો. અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવા સાથે તેણે સ્થળ ઉપર જ દમ તોડયો હતો. નદીમાં સાથે નાહી રહેલા મૃતકના પિતરાઇ ભાઇએ મુસ્તાકને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા પણ તેમાં તેને સફળતા મળી ન હતી. ચાલુ વરસાદી સિઝનમાં ટોડાની આ ઘટના સહિત મુંદરા તાલુકામાં કુલ્લ નવ જણના ડૂબી જવાથી અપમૃત્યુ થયા છે. ઝરપરાના ત્રણ, ધ્રબમાં ચાર અને મુંદરા ખાતે એક અપમૃત્યુ અગાઉ થઇ ચૂકયા છે.