માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ચેકડેમમાં મિત્રો સાથે નહાવા માટે પડેલા ગામના ક્ષત્રિય રાજપૂત યુવાન ધવલાસિંહ જાડેજાને ડૂબી જવાથી મોત આંબી ગયું હતું. આ નાનકડા એવા ગામે કમલેશ રબારી નામના યુવકનું ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ફરી આ જીવલેણ કિસ્સો બનતા અરેરાટી વ્યાપી છે. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ગુંદિયાળી ગામે ગુંદલ માતાજીના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં હતભાગી ધવલાસિંહ તેના બે-ત્રણ મિત્રો સાથે ગઇકાલે સાંજે નહાવા માટે પડયો હતો. અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવા સાથે તેનું મૃત્યુ થયું હતું. બનાવના પગલે ગામના સરપંચ રઝાકભાઇ પઠાણે સલાયા ગામેથી વાઘેર તરવૈયાઓને બોલાવી લીધા હતા. આ તરવૈયાઓ દ્વારા મૃતદેહ શોધી કાઢીને બહાર કઢાયો હતો. પંથકના આગેવાન અરાવિંદ દેવજી મોતા અને અન્ય સેવાભાવીઓ મદદરૂપ બન્યા હતા. સ્થાનિક રાજપૂત (ક્ષત્રિય) યુવા સંઘના પ્રમુખ અને માંડવી તાલુકા સંઘના ઉપપ્રમુખ એવા વખતાસિંહ ચંદુભા જાડેજાનો પુત્ર એવો ધવલાસિંહ અમદાવાદ ખાતે કોલેજના તૃતીય વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ યુવક મિલનસાર સ્વભાવ સાથે બહોળો મિત્રવર્ગ ધરાવતો હતો. નાનકડા એવા ગામમાં માત્ર ચાર દિવસના સમય દરમ્યાન બે-બે યુવાન કાળનો કોળિયો બની જતાં ગામમાં શોક સાથે સન્નાટો છવાઇ ગયો છે.