ભુજ શહેરમાં માધાપર હાઇવે સ્થિત દીનદયાલ નગરમાં પારસ મિલ પાસે રહેતા અને મજૂરીકામ કરતા કરણ જયંતી સોલંકી (ઉ.વ.20) અને તેની માસીના દીકરા જગદીશ હરિભાઇ પરમાર સાથે લૂંટની આ ઘટના બની હતી. બનાવ બાબતે કરણે આ કૃત્યને અંજામ આપનારા 22થી 24 વર્ષની વયના બે અજાણ્યા કચ્છી અને ગુજરાતી ભાષા બોલતા બે યુવાન સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ભોગ બનનારા બન્ને યુવાન ગઇકાલે સાંજે ભુજિયા ડુંગર સ્થિત ભુજંગ દાદાના દર્શન કરવા માટે ગયા હતા. પરત ફરતી વેળાએ તળેટીમાં અચાનક પાછળથી આવી ચડેલા બે અજ્ઞાત લૂંટારૂએ તેમના ગળા ઉપર ચપ્પુ રાખી તેના જોરે તેમને બન્નેને પરવશ બનાવી દીધા હતા. તો તેમને માર પણ માર્યો હતો. લૂંટારૂઓ રૂા. નવ હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. બે હજારની કિંમતની ચાંદીની પોંચી અને રૂા. 4490 રોકડા મળી બન્ને પાસેથી કુલ્લ રૂા. 15490ની માલમતા ઝૂંટવી પલાયન થઇ ગયા હતા. બનાવ બાદ ઘટના વિશે મંદિરના પૂજારીઓ અને ત્યાં રહેલા અન્ય લોકોને વાકેફ કરાયા બાદ ડુંગર અને તળેટી વિસ્તારમાં શોધખોળ કરાઇ હતી. પણ આરોપીઓ કયાંય દેખાયા ન હતા. આ પછી પોલીસ મથકે જઇને ફરિયાદ લખાવાતાં બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે