લખપત તાલુકાના નાનકડા એવા ગામની સગીર વયની કન્યાનું છરીની અણીએ અપહરણ કરી જવા પછી તેના ઉપર દૂષ્કર્મ આચરાયું હોવાનો મામલો બહાર આવ્યો છે. આ બાબતે દયાપરના રહેવાસી એવા બે સગા ભાઇ ઇકબાલ અલાના કાદી અને મજીદ અલાના કાદી સામે બળાત્કાર અને પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. ભોગ બનનારી સતર વર્ષની વયની કન્યા ગામમાં ચીજવસ્તુ ખરીદવા માટે બહાર ગઇ હતી ત્યારે તેને બાઇક ઉપર આવેલા આરોપી ઇકબાલ કાદીએ આંતરી હતી. આ સગીરાને છરી બતાવી તેના જોરે તેને બાઇક ઉપર બેસાડીને દયાપર વાડી સીમમાં લઇ જવાઇ હતી. જયાં છરીની અણીએ ઇકબાલે તેની સાથે દૂષ્કર્મ આચર્યું હતું. આ પછી સહઆરોપી મજીદ કાદી પણ ત્યાં આવ્યો હતો અને બન્ને તહોમતદાર ભોગ બનનારને બાઇક ઉપર દયાપર મૂકીને નાસી ગયા હતા. પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતા જણાવ્યું હતું કે બપોરથી ગુમ થયેલી અને છેક રાત્રે ઘરે પહોંચેલી કન્યાને બીજા દિવસે સવારે તેની માતાએ પૂછપરછ કરતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. આ પછી દયાપર પોલીસ મથકે જઇને બન્ને આરોપી સામે ગુનો દાખલ કરાવાયો હતો. નખત્રાણાના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કેસની તપાસ હાથ ધરાઇ છે.”