ઓનલાઈન અભ્યાસ માટે મોબાઈલ ફોનની ખેંચતાણ થકી આ શહેરમાં કરુણ અને જીવલેણ આત્મહત્યાનો કિસ્સો બહાર આવતાં ભારે અરેરાટી વ્યાપી છે. આ ઘટનામાં 12 વર્ષની વયના મનનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના તરુણ વયના છાત્રએ ફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો. શહેરમાં મુંદરા રિલોકેશન સાઈટ સ્થિત ભાટિયા સમાજવાડીની પછવાડે રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પરિવારમાં આ અરેરાટીભર્યો કિસ્સો બન્યો છે. 12 વર્ષની વયના મનનસિંહે ઘરમાં ઉપરના ઓરડામાં જઈ પંખામાં લટકી જઈને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. તેને અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તે પહેલાં તેનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. મૃતક મનનસિંહના પિતાએ પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ આ ઓનલાઈન અભ્યાસ માટે મોબાઈલ ફોન આપવા માટે ભાઈ-બહેન વચ્ચે રકઝક ચાલી રહી હતી. જેમાં મનનસિંહને મોબાઈલ માટે ના પડાતાં તેને લાગી આવ્યું’ હતું અને અંતિમ પગલું ભરી લીધું હતું.’ તરુણ વયના છાત્રના આપઘાતની આ ઘટનાએ શોક સાથે અરેરાટી જગાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.’