ભારતમાં ઓગસ્ટના પ્રથમ 20 દિવસોમાં જ કોરોનાના 12 લાખથી પણ કેસો
નવી દિલ્હી,તા. 21
દેશમાં કોરોના વાયરસની ગતિએ જોર પકડ્યું છે. 24 કલાકમાં જ નવા 68,898 કેસો નોંધાતા કોરોનાના કેસોનો આંક 29,05,829એ પહોંચ્યો છે. અલબત, એમાંથી 21 લાખ 58 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. વધુ 983 મોત સાથે દેશમાં અત્યાર સુધી 54,849 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 8 લાખ જેટલી છે.
ગઇકાલ સુધીમાં ભારતમાં ચાલુ માસમાં કોવિડ-19ના 12 લાખથી વધુ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં અગાઉના કોઇપણ માસ કરતાં આ આંકડો વધુ છે. એ જ રીતે અન્ય કોઇ દેશમાં ઓગસ્ટમાં આટલી મોટી સંખ્યામાં કેસો નોંધાયા નથી. ગઇકાલે-ગુરુવારે 69,000 નવા કેસો નોંધાયા હતા, જે એક જ દિવસમાં બીજો ઉંચો આંકડો હતો. ઓગસ્ટના પ્રથમ 20 દિવસમાં જ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 12,01,539 નોંધાઈ હતી. આખા જૂલાઈ માસમાં 10,09,444 કેસો નોંધાયા હતા, એ સંજોગોમાં ભારતમાં ઓગસ્ટના કેસો વિશ્વમાં સૌથી વધુ છે. 19 ઓગસ્ટ સુધીમાં અમેરિકામાં 9,94,863 બીજા ક્રમે અને 1,94,115 કેસો સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે છે.