‘સૌરાષ્ટ્ર’ના પ્રવાસ બાદ સી.આર પાટીલ હવે નાયબ મુખ્યમંત્રીના વિસ્તાર ‘ઉત્તર ગુજરાત’ પણ જશે

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સી.આર પાટીલની નિમણુંક સાથે જ ભાજપના સ્થાનિક નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. પાટીલે પણ પોતાની સ્ટ્રેટેજી સાથે જોરશોરથી કામગીરી આદરી છે. જેમાં નવા સંગઠનની રચના પહેલા પાટીલે પહેલો જ પ્રવાસ મુખ્યમંત્રીના વિસ્તારથી કર્યો હતો, હવે બીજા રાઉન્ડમાં નાયબ મુખ્યમંત્રીનો વિસ્તાર પકડશે.ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર પાટીલની નિમણુંક બાદ નવી ટીમની રચના પહેલા સી.આરએ પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં સૌ પહેલા મુખ્યમંત્રીના વિસ્તાર સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યા બાદ  હવે આગામી દિવસોમાં નાયબ મુખ્યમંત્રીના વિસ્તાર ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ બંને વિસ્તારના કાર્યકર્તાઓની મૂંઝવણ, ફરિયાદ અને રજુઆત સાંભળી રહ્યા છે.
ગુજરાત ભાજપ સંગઠનમાં તો ધરમૂળથી બદલાવ લાવવા પાટીલ સક્રિય તો થયા છે. સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લોકસભાની 26 માંથી 26ની જેમ વિધાનસભાની 182માંથી 182 બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં ભાજપ સરકારના બે મુખ્ય પદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વિસ્તારમાં ભાજપની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની પરિસ્થિતિ કેવી છે તે ચકાસવા પાટીલ પોતે પ્રવાસ પર નીકળી ગયા છે.