પ્રશાંત ભૂષણને સજાની સુનાવણી બાબતે સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો

સુપ્રીમ કોર્ટ પર પોતાના વિવાદિત ટ્વીટને લઈને અનાદરના દોષિત ઠેરવાયેલા પ્રશાંત ભૂષણને સજાને લઈને ફેંસલો અનામત રાખ્યો છે.પ્રશાંત ભૂષણે પોતાના બે ટ્વીટમાં સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ પર ટિપ્પણી કરી હતી. જેના માટે કોર્ટે તેમને 14 ઑગસ્ટે અનાદરના દોષિત ઠેરવ્યા હતા.મંગળવારે તેમણે સજા સંભળાવવાનો દિવસ નક્કી કર્યો હતો. જે પહેલાં સુનાવણી થઈ અને હવે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.આ મામલે સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રા કરી રહ્યા હતા.સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને એ પૂછ્યું કે તેમના મતે શું સજા થવી જોઈએ.જસ્ટિસ મિશ્રાએ એમ પણ કહ્યુ હતું કે મીડિયાના અહેવાલથી પ્રભાવિત ન થવું જોઈએ.જસ્ટિસ મિશ્રાએ ઍટર્ની જનરલને એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજના નિવેદનનો ઉલ્લેખ ન કરે. સજા વિશે પૂછવા પર ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું કે પ્રશાંત ભૂષણને આકરી ચેતવણી આપી શકાય છે અને કહી શકાય છે કે ભવિષ્યમાં તેઓ આવી વાત ન કરે.જે બાબતે જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે જો તમે પ્રશાંત ભૂષણના નિવેદનને જોશો, તો કહી શકાય છે કે આમાં એક સકારાત્મક ભાગ પણ છે અને તેમનું કહેવું છે કે તેમને સંસ્થા પર ભરોસો છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે તે માફી નહીં માગે કારણ કે તેમણે કોઈ ખોટું કામ કર્યુ નથી.જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પરંતુ તે વ્યક્તિએ આ સમજવું જોઈએ.ઍટર્ની જનરલનું કહેવું હતું કે જો પ્રશાંત ભૂષણ એવું કહે તો તેમણે કોઈ ભૂલ નથી કરી, પછી પણ અદાલતે દયા દાખવવી જોઈએ.આ પહેલાં આ મામલે પ્રશાંત ભૂષણે માફી માગવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે તેમનું નિવેદન સદ્ભાવનાપૂર્ણ હતું અને જો તેઓ માફી માગશે તો તેમની અંતરાત્મા અને એ સંસ્થાની અવમાનના થશે. જેમાં તે સૌથી વધારે વિશ્વાસ રાખે છે.સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને પોતાના નિવેદન પર ફરીથી વિચાર કરવાનો અને શરત વિના માફી માગવા કહ્યું હતું, પરંતુ પ્રશાંત ભૂષણે એ વિચાર નકારી કાઢ્યો હતો.