ખાવડાના ખારી વિસ્તારમાં 2 દિવસથી બંધ વીજ પુરવઠો ચાલુ થતાં જ દસ વર્ષની બાળકીને ભરખી ગયો

પચ્છમના ખારી ગામે બે દિવસથી વીજ પુરવઠો બંધ હતો જે ચાલુ થતાં જ દસ વર્ષની બાળકીને વીજ ઝાટકો લાગતાં તેને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજયું હતું . જોકે મોડી રાત સુધી પોલીસ ચોપડે ઘટના નોંધાઇ ન હોતા આશ્ચર્યની વાત છે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે દસ વાગ્યાના અરસામાં ખાવડા પચ્છમના ખારી ગામે બન્યો હતો.ખાવડા વિસ્તારમાં બે દિવસથી વીજ પુરવઠો બંધ હોઇ જે સોમવારે સવારે ચાલુ થયો હતો. દરમિયાન વીજ પુરવઠો ચાલુ થતાં ખારી ગામે રહેતી એક દસ વર્ષની બાળકીને ભરખી ગયો હતો. પરિવારજનો ખાવડા આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. પરંતુ કોઇ કાર્યવાહી ન કરવાનું કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા.બનાવ સંદર્ભે ખાવડા પીજીવીસીએલના ઇજનેર ગામીત સાથે વાત કરતાં તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું.પણ બાળકીના મોત બાબતે અજાણ હોવાનું અને તેઓ બન્ની વિસ્તારમાં કામસર હોવાનું જણાવ્યું હતુ.
જ્યારે ખાવડા પોલીસ મથકના વાય.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના બનાવ અંગે પોલીસ મથકમાં કોઇ માહિતી નોંધાવવામાં નથી આવી. તપાસ કરાવી લઉ તેવું જણાવ્યું હતું. તો ખાવડા સીએચસીના તબીબ વર્માને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, બાળકીને લઇને તેમનો પરિવાર આવ્યો હતો. પણ તેઓએ કોઇજ કાર્યવાહી કરવાની ના કહીને ચાલ્યા ગયા હતા.બાળકીનું મોત નિપજ્યુ હતું પણ તેમનો પરિવાર જ કાર્યવાહી કરવા ન ઇચ્છતો હોય તો, શુ થઇ શકે? બાળકીનું વીજ કરંટથી મોત થયું પણ પોલીસ ચોપડે કોઇ નોંધ ન હોવાથી તેનું નામ જાણી શકાયું નથી.