ગાંધીધામમાં લૂંટ-ચીલઝડપના ચાર બનાવનો ભેદ ઉકેલાયો

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ સંકુલમાં થયેલી લૂંટ અને ચીલઝડપના ચાર બનાવોનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલ્યો હતો. આ બનાવમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રૂા. 33,મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરના એ ડિવિઝન પોલીસ મથકનાં પી.એસ.આઇ. પી.કે. ગઢવીને મળેલી સચોટ બાતમીના આધારે ગળપાદરમાં રહેનારા યશવંત અનિલ સકસેના તથા ગણેશનગર પાસે સથવારા વિસ્તારમાં રહેનારા ધર્મેન્દ્ર પરશુરામસિંહ પવાર (રાજપુત) નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉનમાં રાત્રે આઠ અથવા તેના પહેલાં દુકાનો બંધ થતી હોય છે. ત્યારે આ બન્ને શખ્સો એક દિવસ પહેલાં દુકાનદારો દુકાન બંધ કરીને જાય ત્યારે તેની રેકી કરતા હતા અને બીજા દિવસે બનાવને અંજામ આપતા હતા. સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા દરમ્યાન વેપારીઓને તે શિકાર બનાવતા હતા. વેપારી કે વાહન ચાલક એક્ટિવામાં આગળ બેગ રાખીને કે પોતાના ખભે બેગ લટકાવીને જતો હોય ત્યારે સૂનકાર રસ્તો પસંદ કરી આ શખ્સો લૂંટ, ચીલઝડપ કરીને નાસી જતા હતા.ગાંધીધામની જૂની પોલીસ લાઇન શક્તિનગરવાળા રોડ ઉપર એક્ટિવા ઉપર રાખેલી બેગ જેમાં રોકડા રૂા. 45,000 હતા તથા શક્તિનગર વળાંક પાસે એક્ટિવા ચાલકના લેપટોપની લૂંટ, વોર્ડ-9બી હરિહર સોસાયટી નવજ્યોત શાળા પાસે વેપારીએ ખભામાં ટીંગાડેલા થેલામાંથી રોકડા રૂા. 60,000ની લૂંટ તથા આદિપુરમાં રામબાગ નજીક રોડ ઉપર વેપારી પાસેથી રૂા. 17,000 અને કાગળોની ચીલઝડપના બનાવોને આ શખ્સોએ અંજામ આપ્યો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. આ બન્ને શખ્સો પાસેથી એક લેપટોપ, એક મોબાઇલ અને નંબર વગરનું એક બાઇક એમ કુલ રૂા. 33,000નો મુદ્માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પી.આઇ. કે.પી. સાગઠિયા, પી.એસ.આઇ. પી.કે. ગઢવી, જે. એન. ચાવડા સ્ટાફના યોગેશ ચૌધરી, સામતાભાઇ પટેલ વગેરે જોડાયા હતા. આ શખ્સોએ વધુ કોઇ બનાવને અંજામ આપ્યો છે કે નહીં તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.’