ચાલુ એસટી બસમાં યુવાનની હત્યા, આરોપીને લોકોએ બરો બર નો મેથી પાક ચખાડ્યો
જામનગર નજીક કાલાવડ રોડ પર વિજરખી પાસે આજે સમી સાંજે જામનગર-જૂનાગઢ રૂટની એસટી બસમાં બે પેસેન્જરો વચ્ચે થયેલ બબાલ બાદ એક પેસેન્જરે અન્યને છરી મારી કરપીણ હત્યા નિપજાવતા સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે ચાલકે એસટી થંભાવી દીધી હતી તો બીજી તરફ પેસેન્જરોએ આરોપીને આંતરી લઇ મેથીપાક ચખાડી, નીચે ઉતારીને થાંભલા સાથે બાંધી દીધો હતો. પોલીસે સ્થળ ઉપર પહોંચી આરોપીનો કબ્જો લઇ ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી.
જામનગર સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનાર બનાવની વિગત મુજબ, જામનગર બસ સ્ટેશનમાંથી રવાના થયેલ જામનગર-જૂનાગઢ રૂટની એસટી બસ જામનગરથી 15 કિમી દૂર પહોંચી હતી ત્યાં વિજરખી નજીક બે પેસેન્જરો વચ્ચે ચાલુ બસ દરમિયાન કોઇ બાબતને લઇને બોલાચાલી થઇ હતી. થોડી જ વારમાં બન્ને ઉગ્ર બની જતાં બસમાં અન્ય પેસેન્જરો સ્તબ્ધ થઇ ગયા હતાં. દરમિયાન એક પેસેન્જરે પોતાની પાસે રહેલ ધારદાર હથિયાર કાઢી પોતાની સામે બોલાચાલી કરનાર હિતેશભાઇ પંડ્યા (ઉ.વ.40, રે.કાલાવડ) પર હુમલો કર્યો હતો. હિતેશભાઇ કંઇ વિચારે તે પૂર્વે જ આરોપીએ શરીરના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દેતા તેઓ લોહી-લૂહાણ થઇ ગયા હતાં અને સીટ પર જ ફસડાઇ ગયા હતાં. આ ઘટનાના પગલે કંડકટરે સંકેત આપતા એસટી ચાલકે તુરંત જ બસ થંભાવી દીધી હતી. યુવાન લોહીલુહાણ થઇ જતાં જ બસમાં સવાર પેસેન્જરો એકત્ર થઇ ગયા હતાં અને આરોપીને દબોચી લઇ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતોે. સારી એવી નસીહત આપી પેસેન્જરોએ જ દોરી વડે આરોપીને બાજુમાં આવેલ હોટલના પોલ સાથે બાંધી દીધો હતો અને ફરાર થતો અટકાવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત અનુસાર કાલાવડમાં રહેતાં મૃતક તાલુકા મથકે અલ્પાહારની રેંકડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ સમયસર કરી દેવાતા 108 નો સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જો કે ઘાયલને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યું નિપજ્યું હતું. બીજી તરફ ઘટનાની જાણ થતાં પંચકોશી એ ડિવિઝન અને એલસીબી પોલીસ દફતરનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને આરોપીનો કબ્જો સંભાળ્યો હતો.
આ બનાવના પગલે વિજરખી ગ્રામજનો અને અન્ય વાહનચાલકો એકત્ર થઇ ગયા હતાં. જો કે બનાવ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ શરૂ કરી છે.