જીએસટી કાઉન્સીલની બેઠકમાં અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે

દેશના અર્થતંત્રને વધુ મજબુ બનાવી શકાય તે માટે સરકાર અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગમાં પણ અનેકવિધ સુધારાઓ કર્યા છે તો બીજી તરફ આજે જીએસટી કાઉન્સીલની બેઠક પણ મળશે અને અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવાશે તેવી પણ આશા સેવવામાં આવી રહી છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જીએસટી ચુકવવામાં કસુર કરનારને હવે કર વ્યાજ સાથે ચુકવવો પડશે. આ પૂર્વે ઉધોગોએ બાકી રહેલા ૪૬ હજાર કરોડ રૂપિયાનાં રીફંડને એકત્રિત કરવા માટે સરકારને ભલામણ પણ કરી છે. જીએસટી કાઉન્સીલે તેની માર્ચમાં યોજાયેલી ૩૯મી બેઠકમાં એ નિર્ણય લીધેલો હતો કે જે કસુર કરનાર કરદાતાએ જીએસટીની ચુકવણી કરી નહીં હોય તેના ઉપર વ્યાજ લગાવવામાં આવશે જે તેમાં ઉદભવિત થયેલી નેટ ટેકસ લાયાબીલીટી ઉપર આધારભુત રહેશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા ૨૬ ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે, ૧લી સપ્ટેમ્બર ૨૦૨૦થી નેટ ટેકસ લાયાબીલીટી ઉપર વ્યાજ લગાવવામાં આવશે. આજે જીએસટી કાઉન્સીલની ૪૧મી બેઠક યોજાવાની છે જે બેઠક વિડીયો કોન્ફરન્સીંગ મારફતે યોજાશે. હાલ ઉલ્લેખનીય છે કે, રેવન્યુમાં જે ઘટાડો થયો છે તે અંગે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવશે અને બીજી તરફ રાજયોને બાકી રહેતા નાણાની ચુકવણી અંગે પણ ચર્ચા-વિચારણા કરાશે. કેન્દ્ર સરકાર પ્રતિ માસ એક લાખ કરોડના લક્ષ્‍યાંક નિર્ધારીત કરેલો છે જેને લઈ હાલની જે જીએસટીમાં જે પોલીસીની અમલવારી કરવામાં આવી છે તેમાં આજની બેઠક ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.જીએસટીની ચુકવણી કરવામાં ઘણી ખરી તકલીફોનો સામનો કરદાતાઓએ કરવો પડતો હતો તેમાં એક કારણ એ પણ હતું કે, જે યોગ્ય માળખુ જીએસટી ભરપાઈ માટે લેવામાં આવવું જોઈએ તેનો હજુ સુધી યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી પરંતુ જીએસટીની તમામ સિસ્ટમ હવે સુદ્રઢ બની જતા કરદાતાઓને જીએસટીની ભરપાઈ કરવા માટે સહેજ પણ તકલીફનો સામનો નહીં કરવો પડે જેથી હવે જે જીએસટી ચુકવવામાં કસુર કરનાર કરદાતાઓએ હવે કરની સાથે વ્યાજ પણ ચુકવવુ પડશે. હાલ જે કરની ન ભરપાઈ કરનાર જે કરદાતાઓ છે તેને હાલ ૧૮ ટકાના વ્યાજે દંડ વસુલવામાં આવે છે.