સોનુ સુદએ વિધાર્થીઓને ભણવા માટે કરી મોટી મદદ
કોરોના જેવી મહામારી ના કઠિન સમયમાં લોકોને મદદરૂપ બની સોનુ સુદે લોકોના દિલ જીતી લીધા છે. લોકડાઉનમાં જો ભારતમાં કોઇ વ્યકિતનું નામ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું હોય તો તે છે સોનુ સૂદ. જેમણે અનેક લોકોને મદદ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે હજી સુધી અવિરત ચાલું છે. અભિનેતા સોનૂ સુદે ગત થોડા સમયથી સતત કોઇને કોઇ મદદ કરી રહ્યા છે. તેમણે હજારો પ્રવાસી મજૂરોને તેમના ઘર પહોંચાડયા છે.
હવે આ સારા કામને આગળ ધપાવતાં સોનુ સુદે પંચકૂલાના મોરની વિસ્તારના એક ગામમાં બાળકોને ભણવામાં મદદ કરી છે. સોનુ સુદે આ બાળકોને ભણવા માટે મોબાઇલ ફોન ભેટ કર્યેા છે. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઇન ભણી શકે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પવન જૈન જણાવ્યું કે અમારા મોરની વિસ્તારના બાળકો કોટી ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. અને તેમની પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તેમના ઓનલાઇન કલાસીસ નહતા લઇ શકતા.કેટલાક બાળકોને ૪થી ૫ કિલોમીટર રોજ ચાલીને બીજા બાળકોના ઘરે જવું પડતું હતું. જેથી તે બીજા બાળકોના ફોનને સહારે ભણી શકે.
પવન જૈને કહ્યું કે જ્યારે સોનુ સૂદને આ મામલે જાણકારી મળી તો તેમણે ચંદીગઢમાં રહેતા તેમના મિત્ર કરણ લૂથરાને સંપર્ક કર્યેા અને આ બાળકોને મોબાઇલ ફોન અપાવ્યો. જે પછી તમામ બાળકોએ એક સાથે સોનુ સુદનો આભાર વ્યકત કર્યેા છે. તમને જણાવી દઇએ કે મોરની વિસ્તારનો કોટી ગામ હિમાચલની સીમાની પાસે આવેલ છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ મુશ્કેલ છે. અને બાળકો પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તે ભણી નહતા શકતા.