કચ્છમાં બે દિવસ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ

કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો  છે ત્યારે શનિ અને રવિવારે ફરી જિલ્લાના અમુક સ્થળે ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા  આગાહી કરવામાં આવી છે કે  બંગાળની ખાડીમાં સક્રીય થયેલી સિસ્ટમથી કચ્છમાં શુક્રવારે અમુક સ્થળે હળવાથી મધ્યમ તો શનિ અને રવિવારે ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની સંભાવના વચ્ચે તા.29,30 ઓગસ્ટના જિલ્લામાં યલો એલર્ટ પણ  જાહેર કરાયો છે એટલે કે, સાવધાની રાખવી અતિ આવશ્યક છે. તો વળી તા.31/8, સોમવારના પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે . આ અંગે હવામાન વિભાગના રાકેશકુમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારના જિલ્લાના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ જારી રહેશે. આ દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાક 15થી 20 કિ.મી.ની રહેશે. જો કે, શનિ અને રવિવારના જિલ્લાના જે-જે સ્થળે ભારે વરસાદ પડશે તે સ્થળોએ વરસાદ ચાલુ રહેશે તેટલા સમય પૂરતી પવનની ગતિ વધી શકે છે અને ત્યારબાદ સામાન્ય થઇ જશે.