નર્મદા કેનાલની નબળી ગુણવત્તા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા કચ્છ ભારતીય કિસાન સંઘે ચીફ એન્જિનિયર સમક્ષ કરી માગ

કચ્છમાં નર્મદાની મુખ્ય નહેરની રૂબરૂ મુલાકાત દરમિયાન અનેક સ્થળે ગાબડા સાથે નબળી ગુણવત્તાનું કામ કરાયું છે તેવા આક્ષેપ સાથે કચ્છ ભારતીય કિસાન સંઘે નર્મદા નિગમના ચીફ એન્જિનિયર સમક્ષ આવેદન સાથે કરેલી રજૂઆતમાં જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી. સંસ્થાના હોદ્દેદારોએ કેનાલની સાંકળ 82થી 198 ટપ્પર સુધી જાત મુલાકાત લીધી તે દરમિયાન નહેરની આજુબાજુ ઝાડીઓ ઉગી નીકળી હોવાનું તેમજ અનેક જગ્યાએ ગાબડા જોવા મળ્યા હતા. આમ નબળી કામગરી જોતાં મોટો આચરાયો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે તેની તપાસ કરવા અને કેનાલ નિર્માણનું કામ કરતા ઠેકેદાર સામે તાત્કાલિક પગલા ભરાય તેવી માગ જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાની આગેવાની તળે ગાંધીધામ સ્થિત કચેરીના મુખ્ય ઇજનેરને આપવામાં આવેલ  આવેદનમાં કરાઇ હતી. જેમાં ભીમજી કેરાસિયા, વાલજી લિંબાણી, ભચાભાઇ માતા, જીતુભાઇ આહિર જોડાયા હતા.
નર્મદાના નીર માટે કાર્યરત કચ્છ નર્મદા જળ અભિયાને વધારાના એક મીલિયન એકર ફીટ પાણીના કામોને વહીવટી મંજૂૂરી આપવાનો પુનરોચ્ચાર કરતાં મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં રૂબરૂ મુલાકાત માટે સમય માગ્યો હતો. સંસ્થાના પ્રમુખ જયંતીભાઇ પોકારે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધારાના પાણી ફાળવાઇ ગયા છે જ્યારે કચ્છ માટે દોઢ દાયકા જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ દિશામા કોઇ નક્કર કાર્યવાહી નથી કરાઇ. વધારાના પાણીના કામોની ટપ્પર ડેમથી શરૂ થતી લિંક કેનાલ દ્વારા શરૂઆત કરવાની માગ સંસ્થાએ કરી હતી.