ખખડધજ થયેલા રાજય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું તાત્કાલિક સમારકામ કરવા માંગ
મેઘ જરૂર વરસ્યો પણ સાથે રસ્તાઓનું પણ ધોવાણ સામે આવ્યું છે. વરસાદને કારણે રસ્તાઓ ખુબજ ખરાબ થઈ ગયા છે. તેવામાં સાંસદ વિનોદ ચાવડાએ આ સંદર્ભે સ્થાનિક તંત્રની સાથે સાથે નેશનલ હાઇવે ઓથોરેટી ઓફ ઇન્ડીયાને પણ પત્ર લખી રસ્તાઓનું મરામત કામ કરવા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવા માટે સૂચવ્યું છે. સાંસદએ જણાવ્યુ હતું કે, સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેની હાલત ખુબજ ખરાબ થઈ છે. મોટા મોટા ખાડા, ડામરનું ઉખડી જવું તેમજ રોડની સાઇડોનું તૂટી જવાના કારણે અકસ્માતોનું ભય અને વાહનોમાં નુકશાની થઈ રહી છે. ભારે વાહનો રોડ પર ફસાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવા સમયે સામખિયારી – લાકડીયા – રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 અને સામખિયારી – માળીયા – મોરબી નેશનલ હાઇવે નંબર 8 – A ની પરિસ્થિતી ખુબ જ ખરાબ બનેલ છે. તેમજ કચ્છના બધા રસ્તાઓનું તાત્કાલિક મરામત થાય અને વરસાદ બંધ થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ રિફરનીશ, ડામર રોડ બનાવવા નેશનલ હાઇવે ઓથોરેટી ઓફ ઇન્ડીયા ને પત્ર લખી અમલ કરવા અનુરોધ સાથે સૂચન કરેલ છે.
કોંગ્રેસના પ્રવક્તા પી.સી. ગઢવીએ પણ મુખ્યમંત્રીને કચ્છના માર્ગો અંગે રજૂઆત કરી છે. જેમાં કચ્છના જુદા-જુદા તાલુકાઓમાં ગુંદિયાળીથી ભાડિયા, પીપરી, કોડાય, કાઠડા, નાની-મોટી રાયણ, નાની ખાખર સહિતના માર્ગો અને કોઝવે તૂટી ગયા હોવાનો ઉલ્લેખ કરી તેના રીપેરીંગની માંગ કરી છે. ખાસ કરીને અબડાસા, લખપત અને નખત્રાણાના માર્ગોની હાલત ખરાબ થઇ છે. કલેક્ટર અને આર એન્ડ બીને પણ રજૂઆત કરાઇ છે.