નર્મદાની સપાટી વધતાં ભરૂચ પર ખતરાંની સ્થિતિ , વધુ એક NDRFની ટીમ તૈનાત
નર્મદા ડેમની સતત વધતી સપાટીથી ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઊભી થઈ છે. નર્મદાના પાણી ભચાઉના નીચાણવાળા ફુરજા વિસ્તારમાં ઘૂસતાં શહેરીજનોમાં ઉચાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લામાં 2540નું સ્થળાંતર કરાયું છે. તંત્રએ ભરૂચની સ્થિતિને જોતા એક એનડીઆરએફની ટીમ રવાના કરી છે
હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી સરેરાશ 110 ટકા વરસાદ પડી ચૂક્યો છે. નર્મદા ડેમની સપાટી વધતા ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચની સ્થિતિ મુશ્કેલ બની શકે છે. તંત્રએ ભરૂચની સ્થિતિને જોતા વધુ એક એનડીઆરએફની ટીમ રવાના કરી છે. કુલ બે એનડીઆરએફની ટીમ ભરૂચ જિલ્લામાં રહેશે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. નર્મદાનું જળસ્તર 27 ફુટની સપાટીએ પહોંચ્યું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશની તીર્થનગરી ઓમકારેશ્વરમાં નર્મદા નદી પર બનાવેલો ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ભારે વરસાદ બાદ ડેમની જળસપાટી 195.12 મીટર સુધી પહોંચી ગઈ.. ત્યાર બાદ ડેમમાંથી નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું. ડેમના 23માંથી 21 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં 8.13 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના 12, અંકલેશ્વરના 14 અને ઝઘડિયાના 13 ગામોના 1387 લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. ખોડિયાર, હાદોડ અને આંત્રોલી બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.