હમીરસર સાથે ભુજ પાલિકાની તિજોરી પણ છલકાઈ , સોમવારે રજા છતા પાલિકાએ એક જ દિવસમાં વિક્રમી 43 લાખ વેરા વસુલ્યા

images-6

ભુજનું હાર્દ સમું હમીરસર તળાવ છલકાઈ જવા સાથે ભુજ પાલિકાની તિજોરી પણ કરવેરાની વિક્રમી વસૂલાત સાથે છલકાઈ હતી. ભુજ નગરપાલિકાએ સોમવારે રજાના દિવસે વેરા વસુલાત ચાલુ રાખી હતી, જેમાં એક જ દિવસમાં 43 લાખ રૂપિયાની વસુલાત કરી હતી. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19 વાયરસના સંક્રમણને રોકવા લોક ડાઉનનો નિર્ણય લેવાયો હતો, જેથી ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારી આત્મ નિર્ભર યોજના હેઠળ ચાલુ હિસાબી વર્ષ 2019/20માં 31મી ઓગસ્ટ સુધી કોમર્સિયલ મિલકત ધારકો વેરો ભરી જાય તો 20 ટકા રાહતનો નિર્ણય લીધો હતો. જેનો વધુને વધુ વેપારીઓ લાભ લઈ શકે એ માટે રજાના દિવસે પણ કાઉન્ટર ખુલા રાખવામાં આવ્યા હતા.
સોમવારે હમીરસર ઓગની જતા વધાવાયું હતું. જેની રજા રાખવામાં આવી હતી. પરંતુ, સોમવારે પણ વેરા વસુલાત ચાલુ રાખી હતી અને એક જ દિવસમાં 43 લાખ 1 હજાર 131 રૂપિયાની વસુલાત થઈ હતી. જે વિક્રમી રકમ છે. જોકે, એ રકમમાં કોમર્સિયલ ઉપરાંત, વ્યવસાય વેરો, દુકાન ભાડું અને અન્ય વેરાનો પણ સમાવેશ થાય છે.