દૂધ દોહીને કચરો ખાવા ગાયોને છોડી મૂકતા માલિકો મહેરબાની તમારી

માંડવી:

દૂધ દોહીને એઠવાડ-પ્લાસ્ટિકના કચરા ખાવા છોડી મૂકતા ગાય માલિકો હવે તો બાળકો-વૃદ્ધો-મહિલાઓ પર દયાભાવ રાખવાની મહેરબાની કરો, અન્યથા હતભાગીઓના નસીબે રૂા. 50 હજારનો ખર્ચ તથા છ માસની પીડા સાથેનો ખાટલો નક્કી જ છે. ક્યાંક જીવનલીલા સમાપ્ત થયાના દાખલા નોંધાયાના સમાચાર વાંચવા મળે છે.આ અંગે જીવદયાના ચાહક માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, નવીન બોરીચા, મહેશભાઇ શાહ, જીતુભાઇ સુરૂ, ઉદયભાઇ?ધકાણના જણાવ્યાનુસાર ગાય માલિકો દૂધ દોહીને ગામમાં છોડી મૂકે છે. તેથી મારકણી ગાયો રસ્તે ચાલતા રાહદારીઓને હડફેટે લેતાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચાડે છે તેમજ દ્વિચક્રી-ત્રિચક્રી વાહનોને ટ્રાફિકમાં પણ અવરોધે છે. નાના-મોટા રસ્તાઓ વચોવચ બેસી જાય છે તેમજ ગામમાં છાણ-મૂત્ર કરી નગરપાલિકાની સફાઇને અવરોધે છે.શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરતથી વધારે બેથી ત્રણ ગણો વરસાદ નોંધાયો છે તેથી સીમાડાઓમાં ઘૂંટણ સુધી ઘાસ ઊગી નીકળ્યું છે. માટે ગોવાળ સાથે ગાયોને સીમમાં ચરવા મોકલો જેથી તેનું પેટ ભરાય. તેમજ દૂધમાં પણ વધારો થશે.માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટીઓએ પણ જણાવ્યું કે, શેરીઓમાં રખડતી-ભટકતી ગાયોની બીકના કારણે લોકો આવન-જાવન માટે રસ્તા બદલાવે છે. કેટલીક દયાળુ મહિલાઓ પણ ગાયોને એઠવાડ નાખી દયા-પુણ્ય ધર્મ સમજતી હોય છે. માટે લોકોના હિત ખાતર પણ આવું બંધ કરવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, માંડવી ચેમ્બર ગાય પાળતા માલિકોની વિરોધી નથી, પરંતુ લોકોના જાનમાલની સલામતી જોવી પણ જરૂરી છે.

ખાસ સૂત્રો મારફતે