ભુજના મોટા બંધમાં એકાએક ફીણવાળું પાણી વહેવા લાગતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું

શહેરનું શણગાર સમું હમીરસર તળાવ છલકાયા બાદ પાણીનો કલર એકદમ બદલાઇને લીલો થઇ જતાં ચિંતા પરિણમી છે તેવામાં આજે મોડી સાંજ પછી તળાવની આવમાં એકાએક ફીણવાળું પાણી વહેવા લાગતાં ભારે કૌતુક ફેલાયું છે. એકાએક સફેદ કલરના પાણીના પરપોટા સાથેની આવ મોટા બંધમાં શરૂ થતાં સુધરાઇના સત્તાધીશેમાં દોડધામ મચી ગઇ હતી. ગટરના પાણી ભળવાના લીધે પાણીનો કલર લીલો થઇ ગયો છે તેવામાં કોઇએ કેમિકલ તળાવની આવમાં ઠલવી દીધું હોય તેમ એકાએક આજે સાંજ પછી હમીરસરની આવમાં ફીણયુક્ત પાણી વહેતું થઇ ગયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત કેટલાક નગરસેવકો વિવિધ પમ્પિંગ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા અને ફીણવાળું પાણી કયાંથી વહેવાનું શરૂ થયું તેનો તાગ મેળવવાનો વ્યાયામ આદર્યે હતો. આ કામગીરીનો ધમધમાટ મોડી રાત સુધી જારી રહ્યો હતો. ફીણવાળું પાણી વહેતું હોવાનો સોશિયલ મીડિયામાં ફોટો-વીડિયો વાયરલ થતાં કેટલાક લોકો કુતૂહલવસ તે જોવા પણ પહોંચ્યા હતા. નગરસેવક ભૌમિક વછરાજાનીએ જણાવ્યું કે, પાણીમાં કોઇપણ જાતની વાસ આવતી નથી. એટલે ફીણયુક્ત પાણી કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, ગટરના પાણી ભળવાના લીધે જ આ સમસ્યા સર્જાઇ છે. સાંજથી આ પાણી વહેવાનું શરૂ થયું હોવા છતાં પાલિકાએ લક્ષન આપ્યાનો આક્ષેપ કરી પ્રાંત અધિકારીને રજૂઆત કરાયા બાદ પાલિકાના જવાબદારો દોડતા થયાનું જણાવ્યું હતું. દરમ્યાન રાત્રે હરિપરથી વિવિધ આવની જગ્યાએ મુખ્ય અધિકારી નીતિન બોડાત, હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્યોએ તપાસ આદરી હતી.

ખાસ સૂત્રો મારફતે