ઈન્દ્રપ્રસ્થ શાળાએ ત્રણ મહિનાની ફી માફ કરી દાખલો કાયમ કર્યો

ગાંધીધામ, તા.3
કોરોના વાયરસનાં સંક્રમણને ડામવા લોકડાઉન અમલી કરાયા બાદ હવે અનલોકનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જો કે, શાળાઓ હજુ પણ બંધ જ છે. શાળાઓ દ્વારા ફી વસૂલાતી હોવાની ફરિયાદ વચ્ચે અંજાર તાલુકાના ઈન્દ્રપ્રસ્થ ખાતે દિલ્હીની સંસ્થા દ્વારા સંચાલિત શાળા દ્વારા ત્રણ મહિનાની ફી માફ કરી વાલીઓને રાહત આપાઈ છે.જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબસિંહ વર્મા દ્વારા દત્તક લેવાયેલા અંજાર તાલુકાના ઈન્દ્રપ્રસ્થ (નવી દુધઈ) ખાતે રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા (દિલ્હી) દ્વારા શાળાનું સંચાલન કરાઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિના કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિને અસર પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંસ્થાના મુખ્ય સંચાલક પરવેશ સાહેબસિંહ વર્માની સૂચનાથી ફી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં મે, જૂન અને જુલાઈ મહિનાની ફી માફ કરવામાં આવી છે. તદ્ઉપરાંત વિદ્યાર્થીઓનું વર્ષ 2020-21નું ઓનલાઈન શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં’ રાખી સંસ્થા કામ કરતી હોવાનું જણાવી તે જ હેતુથી ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
ખાસ સૂત્રો મારફતે