ચોમાસાના ત્રણ માસમાં આગાહી કરતા વધુ વરસાદ, અમદાવાદમાં 8 ટકા અને દ્વારકામાં 338 ટકા વરસાદ, કચ્છમાં પણ સામાન્યથી ત્રણ ગણો વરસાદ

ભારે વરસાદ વરસે તેવા અષાઢ,શ્રાવણ અને અર્ધો ભાદરવો મહિનો પૂરો થયો છે અને હવે સામાન્યત: ભારે વરસાદની સંભાવના ઓછી છે ત્યારે  જૂનના આરંભે શરૂ થયેલા ચોમાસાના ત્રણ માસમાં   સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૦૫૭ મિ.મિ. (૪૨ ઈંચથી વધુ) અને બાકીના ગુજરાતમાં ૯૨૭ મિ.મિ. (૩૭ ઈંચ) વરસાદ વરસી ગયો છે જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા ૧૩૯ ટકા (એટલે કે સામાન્ય કરતા બમણાંથી વધારે) વરસાદ વરસ્યો છે તો ગુજરાતમાં ૧૬ ટકા વધુ પાણી વરસી ગયું છે. ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી તો હવામાન ખાતાએ કરી છે પણ સામાન્ય કરતા ગુજરાતમાં એકંદરે ૬૫ ટકા વધારે પાણી મેઘરાજાએ અત્યાર સુધીમાં વરસાવ્યું છે. હવે, સૌરાષ્ટ્રમાં તા.૫,૬ અને દક્ષિણ ગુજરાત વગેરે સ્થળે તા.૫થી ૭ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં વરસે તેવી અને તા.૭,૮ એકંદરે સુકુ હવામાન રહેવા આગાહી થઈ છે. આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદના વિરામ સાથે છૂટાછવાયા વાદળો વચ્ચે ભાદરવી તડકાંનો અનુભવ થયો હતો.જો કે મેઘરાજા દરેક સ્થળે સમાન ધોરણે વરસ્યા નથી, વરસતા નથી. જેમ કે સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકામાં ૮૦ ઈંચ વરસાદ સાથે સામાન્ય કરતા ૩૩૮ ટકા વધુ વરસાદ છે તો અમદાવાદમાં માત્ર ૮ ટકા વધુ અને વડોદરામાં તો સામાન્ય કરતા ૯ ટકા ઓછો વરસાદ છે! હવામાન ખાતાની વિગતો મૂજબ ગુજરાતના વડોદરા ઉપરાંત  વલસાડ, મહીસાગર, ડાંગ, દમણ, દાહોદમાં સરેરાશથી ઓછો વરસાદ છે. પરંતુ, સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ અને દિવ, કચ્છમાં પણ સામાન્યથી ઘણો વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્ર સાથે વિશેષ જોડાયેલા સુરત  જિલ્લામાં સૌથી વધુ ૬૨ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીનગરમાં ૩૨ ટકા વધુ વરસાદ છે. કચ્છમાં આજ સુધીમાં સામાન્ય  વરસાદ  ૧૩.૫ ઈંચ સામે આ વર્ષે ૩૯.૫ ઈંચ એટલે કે ત્રણ ગણો વરસાદ થયો છે. અરબી સમુદ્રના કાંઠે આવેલા પોરબંદર અને દિવમાં ૧૪૬ ટકા એટલે કે અઢી ગણો વરસાદ થયો છે.  પરંતુ, વરસાદની આ પેટર્ન (જ્યાં વરસે ત્યાં ધોધમાર) સરકારને એક સ્પષ્ટ સંકેત આપે છે. છેલ્લા ઘણા વર્ષોથી જળસંચયનું કામ ઉપરછલ્લુ થાય છે તેને સઘન કરવાની, નવા જળાશયો બનાવવાની જરૂર છે. અગાઉ પ્રજાલક્ષી રાજા મહારાજાઓ પણ સમારંભોના ખર્ચને બદલે તળાવ,કૂવા,વાવ બાંધવામાં જ ખર્ચ કરીને દીર્ઘદ્રષ્ટિના દર્શન કરાવતા હતા.

ખાસ સૂત્રો મારફતે