રાજકોટમાં ચેપ ફેલાય તેવી બેદરકારી રાખીને, બાયોમેડીકલ વેસ્ટ ફેંકાતા બે કોવિડ હોસ્પિટલોને ફટકાર્યો દંડ

દેશમાં રસી-લોહી વગેરે યુક્ત પાટા-પિંડી, દવા, ઈન્જેક્શનો અને હવે કોરોના કાળમાં દર્દી દ્વારા વપરાયેલા માસ્ક, પીપીઈ કીટ વગેરે બાયોમેડીકલ વેસ્ટ નો નિકાલ તેને ઉચ્ચ તાપમાને સળગાવીને ઈન્સીલરેટરમાં કરવાનો નિયમ વર્ષોથી છે છતાં તેના પ્રત્યે અનેક હોસ્પિટલો જાણીને અજાણ બની ઉપેક્ષા રાખતી રહી છે. આજે વધુ બે હોસ્પિટલોને રાજકોટમાં આ માટે રૂ।.દસ-દસ હજારનો દંડ કરાયો છે.બીજી તરફ શહેરમાં મચ્છર પેદા થાય તે રીતે પાણી ભરાવા દેનાર બાંધકામ સાઈટ, હોસ્પિટલો વગેરે સામે પણ પગલા લેવાયા છે.મ્યુનિ.સૂત્રો અનુસાર કોરોનાની સારવાર માટે નિયત કરાયેલી (૧) ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને (૨) યાજ્ઞિકરોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાન અને જાહેર માર્ગ પર ફેંકવામાં આવ્યો હતો. આ અન્વયે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા બન્ને હોસ્પિટલ પાસેથી દંડ વસુલાયો છે. બીજી તરફ શહેરમાં ડેંગ્યુ (એ પણ વાયરસથી ફેલાય છે)ના રોગચાળાનો ખતરો વધ્યો છે ત્યારે મનપા દ્વારા બાંધકામ સાઈટ, ઔદ્યોગિક એકમો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરે ૨૩૧ સ્થળે તપાસ કરાતા તેાં ૧૦૪ સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ નજરે પડતા રૂ।.૩૧૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી કોઈ નાના પાત્રમાં ભરાઈ રહે ત્યારે તેમાં એડીસ ઈજીપ્ટી મચ્છરો ઈંડા મુકતા હોય છે અને આ મચ્છરોથી જ ડેંગ્યુ ફેલાય છે.
ખાસ સૂત્રો મારફતે