દોઢ વર્ષ પહેલાં 26 વર્ષના શત્રૂઘ્ન યાદવ અમરોલીની બાળકીને ચોક્લેટની લાલચ આપી શેરડીના ખેતરમાં લઇ જઇ અત્યાચાર ગુજાર્યો હતો, બે વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ કરનાર યુવાનને આજીવન કારાવાસ
copy image

આજથી એક-દોઢ વર્ષ પહેલાં અમરોલી વિસ્તારની બે વર્ષની માસુમ બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી યુવાનને એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ પોકસો એક્ટના ભંગ સહિત તમામ ગુનામાં દોષી ઠેરવી કાનુની જોગવાઈ મુજબ કેદ તથા દંડની સજા કરી છે. કોર્ટે માસુમ બાળકી નું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા તથા રૂ.5 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારની બે વર્ષ એક મહિનાની પુત્રી તા.11-3-2019ના રોજ માતા બાથરૂમમાં નાહવા જતાં બહાર રમતી હતી.ત્યારે મોટાવરાછા અમરોલી ખાતે નવી બનતી વેદાંતસીટી પાછળની ઝુંપડપટ્ટીમાં રહેતો 26 વર્ષીય શત્રૂઘ્ન ઉર્ફે બીજલી મંહતરામ યાદવ બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઇ ગયો હતો. અને બાળકીને અબ્રામા રોડ સ્થિત કરમશીબાપાના શેરડીના ખેતરમાં લઇ જઇ બળાત્કાર ગુજારી ફરાર થઇ ગયો હતો.બાળકી આખી રાત ત્યાં કણસતી પડી રહી હતી. બીજા દિવસે તા.12 માર્ચે બાળકીનો રડવાનો અવાજ સાંભળી કેસના સાક્ષી મંજુલાબેન રાઠોડ ત્યાં પહોંચતા અર્ધનગ્ન હાલતમાં બાળકી મળતા પોતાના ઘરે લાવી તેની ફરિયાદી માતાને જાણ કરી હતી. અમરોલી પોલીસે આ ઘટનામાં બાળકીના અપહરણ બાદ બળાત્કાર અંતર્ગત પોક્સો એક્ટના ભંગ સહિતના ગુનાની કલમ ઉમેરી હતી.અને સીસીટીવી ફુટેજમાં આરોપી શત્રૂઘ્ન ઉર્ફે બીજલી યાવદ બાળકીને લઇને જતો નજરે પડતા તેમની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. આજે આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકોર્ડ પરના પુરાવા ફરિયાદપક્ષે એપીપી કિશોર રેવાલીયાની રજૂઆતો બાદ આરોપી શત્રૂઘ્ન યાદવને તમામ ગુનામાં દોષી ઠેરવી જીવે ત્યાં સુધી કેદ તથા દંડની સજા ફટકારી હતી.
કોર્ટે કહ્યું, ‘મૃત્યુદંડને બદલે જીવે ત્યાં સુધી આરોપીને પસ્તાવો થાય તેવી સજા ન્યાયી ગણાશે’
કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી સામે જે ગુના સાબિત થયા છે તેમાં મૃત્યુદંડની સજા આપી શકાય તેવી જોગવાઈ છે. પરંતુ આરોપીની વયને ધ્યાને લઈ કોર્ટે મૃત્યુદંડને બદલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી આરોપીને પસ્તાવો થાય અને સમાજમાં પણ તેની ગંભીર નોંધ લેવાય તે માટે બાકીની જિંદગી જેલમાં ગુજારે તેવી સજા કરવી ન્યાયી ગણાશે.કોર્ટે આરોપીને બાળકી પર બળાત્કાર ગુજારવાના ગુનામાં આજીવન કેદ એટલે કે કુદરતી બાકીની જિંદગીના વર્ષો સુધીની સખ્ત કેદની સજા રૂ.5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી છે.કોર્ટે ભોગ બનનાર બાળકીને વીકટમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા માટે સુરત જિલ્લા કાનુની સેવાસત્તામંડળને ભલામણ કરી છે.
ખાસ સૂતો મારફતે