હમીરસરનું પાણી ઝેરી બનાવવા પાછળ વાંક કોનો ??

શહેરના શણગારસમું હમીરસર ઓગનવાની ખુશી પર તેના `ઝેરી’ બનેલાં પાણીએ પાણી ફેરવી દીધું છે. જાગૃત અને પ્રબુદ્ધ નાગરિકોએ હમીરસરનું પાણી લીલું થવાના કારણો બહાર લાવવાની ઝુંબેશ કરવાની હાકલ કરતાં જણાવ્યું હતું કે, બદામી છેલામાં આસપાસના વિસ્તારોથી ઠલવાતી ગંદકીથી સુધરાઈના હોદ્દેદારો અને જે તે વિસ્તારના નગરસેવકો બધું જાણતા હોવા છતાં તેમનું મૌન સૂચક છે. આ સાથે સાથે ગટર વ્યવસ્થા બોર્ડના સંબંધિતોને પણ તપાસના દાયરામાં સામેલ કરવાની માંગ ઉઠી છે. ભુજના કેટલાક જાગૃત પ્રબુદ્ધ નાગરિકો તેમજ પાવડી ગ્રુપના સભ્યોએ આપેલા કેટલાક ચિંતાજનક મુદા્ પર નજર કરીએ તો શહેરના જુદા જુદા વિસ્તારની ગટરની લાઈન, મોટી મોટી ચેમ્બર પાણીની આવકના કુદરતી સ્રોત વહેણમાં આવેલાં છે. જેમ કે, ત્રિમંદિર આસપાસની સોસાયટી, સંસ્કારનગર પાછળનો વિસ્તાર, મોટા બંધ ઉપરનું વહેણ, બેન્કર્સ કોલોની, ભાનુશાલીનગર તેમજ પાછળના હંગામી રઘુવંશીનગર સહિતના અલગ અલગ રહેણાક વિસ્તારની ગટર લાઈનો બદામી છેલામાં ઠલવાતી રહે છે. કંઈક વિચિત્ર રીતે થઈ રહેલાં લીલાં પાણીનો અત્યારે કોઈપણ પ્રકારે ઉપયોગ ન કરવા અંગેના સાઈન બોર્ડ મૂકવાં અતિઆવશ્યક છે. નિષ્ણાત તબીબોના સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ પ્રકારની લીલ કે શેવાળ કે જે કંઈ જવાબદાર કેમિકલ થકી દૂષિત થતું આ પાણી નહાવા કે અન્ય વપરાશ કરવાથી મનુષ્યના ગળાં અને ફેફસાંમાં ઝેરી ફૂગ લાગી શકે છે. જેની ઉપચાર પદ્ધતિ અટપટી અને ખૂબ ખર્ચાળ છે. કેટલાક સંજોગોમાં આ ઝેરી ફૂગ જીવલેણ પણ થઈ શકે છે. પાવડી ગ્રુપના સભ્યોએ હમીરસરના સફાઈકામની ઝુંબેશ સ્વયંભૂ રીતે છેલ્લા બે માસથી વધુ સમયથી ચાલુ રાખી છે. ઉપરાંત પાવડી ગ્રુપની અપીલને માન આપી શહેરની અન્ય સમિતિઓએ, નાગરિકો, યુવા-યુવતી, આર.એસ.એસ., ડોક્ટરો, વકીલ સહિતની નામી-અનામી ટુકડીઓએ શ્રમયજ્ઞ આદર્યો જે આજ પર્યંત ચાલુ છે. આ સફાઈ ઝુંબેશ સાર્થક નથી નીવડતી તે માટે સુધરાઈને જવાબદાર ગણી શકાય કેમકે ટાંચા સાધનોથી સાફ સફાઈ થાય છે. તળાવમાંથી નીકળતા દુર્ગંધયુક્ત કચરાને દૂર સુધી ખસેડવા સુધરાઈએ ઉદાસીનતા બતાવી છે. રસાયણ વિજ્ઞાનના તજજ્ઞોના અભિપ્રાય મુજબ તળાવના જુદા જુદા ઘાટ પરથી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ કરાવી આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવું અતિ આવશ્યક બન્યું હોવાનું ઉમેર્યું હતું. હમીરસરમાં પાણી મોડે મોડે પહોંચવાના કારણો વિશે અનુભવીઓ જણાવે છે કે, લંકી ડુંગરની હારમાળા, આવક્ષેત્ર હમીરાઈ તળાવડીથી કચ્છ યુનિ. પાસેના મોટા ગેરકાયદે થયેલાં દબાણો, પાણીના જથ્થાને અવરોધે છે. જેથી હમીરસર ઓગનવાની પર્યાપ્ત જળરાશિ પહોંચી શકતી નથી. કેટલાક દબાણ ચેકડેમનું કામ કરતાં હોવાથી ઉપરથી આવતું પાણી આગળ જઈ શકતું નથી. તદ્દઉપરાંત સંભવત: આ ગટરમિશ્રિત પાણીને ફિલ્ટર કરવા સ્થાનિકે કેટલીક એજન્સીઓ કાર્ય કરે છે, તેમના જણાવ્યા મુજબ હમીરસરના પાણીને ફિલ્ટર કરવા તથા કુદરતી રંગ લાવવા સાથે નિર્મળ કરવાનો ખર્ચ અંદાજે 70,000 આસપાસ થાય. સાથે સાથે રૂદ્રમાતા ડેમ તરફ જતાં વહેણ ઉપર તેમજ તેને સમાંતરે ડી. માર્ટ, સેવન સ્કાય આજુબાજુ બનેલી સોસાયટી અને ખાણીપીણીના રેસ્ટોરાં કે મોટી મોટી હોટલની ગટર લાઈનની નિકાસ, અણઘડ ચેમ્બરમાંથી બહાર નીકળતાં મલિન જળ પુષ્કળ પ્રમાણમાં રૂદ્રમાતા ડેમ તરફ વહી રહ્યાં છે અને એ ડેમનું પાણી જે સિંચાઈ માટે તેમજ સ્થાનિક પશુપાલકો માટે અનામત છે એ જળરાશિ પણ આ જ રીતે દૂષિત થઈ રહી છે. માધાપર પાછળ આવેલી નદીમાં તે વિસ્તારની ગટર ઠલવાતી રહે છે એ પણ આગળ જતાં રૂદ્રમાતા ડેમના અન્ય આવક વિસ્તારને મળે છે એવું જણાયું છે. હિન્દુઓની અંતિમક્રિયા માટેની પવિત્ર ઉત્તરવાહીની ખારી નદી પણ ગટરના વહેણથી બારેમાસ ખદબદી રહી છે.

ખાસ સૂત્રો મારફતે