સાંતલપુરમાં રહેતો ઈસમ અંજારના દંપતીની 5 એકર જમીન પચાવવા કરી છેતરપિંડી

(ગાંધીધામ) જુના પાવરનામાંના આધારે દસ્તાવેજ બનાવી આવકવેરાના ફોર્મમાં મૃતકની ખોટી સહી કરી 5 એકર જમીન વેંચી નાખી સાંતલપુરના ઇસમે અંજારના દંપતી સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે ફરિયાદી વેલજી રૂડા સોરઠિયાએ ઇસમો સાંતલપુરના જીવણ માદેવા આહીર, કમલ રાણા આહીર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો તળે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આરોપીઓએ ગત 11 ફેબ્રુઆરીના અરસામાં અંજાર સબરજિસ્ટ્રાર કચેરીમાં છેતરપિંડીના આ બનાવને અંજામ આપ્યો હતો. ફરિયાદીના પિતા રૂડાભાઈ સોરઠિયાએ અંજારની સીમમાં સર્વે નંબર 252માં 15 એકર 11 ગુંઠા જમીનનું જનરલ પાવર ઓફ એટર્ની જીવણ માદેવા આહીરને બનાવી દીધું હતું. 15 એકર પૈકી 9 એકર જમીનનો એ પાવરના આધારે જીવણ આહીરે ઉર્મિલાબેન રાણાના નામે દસ્તાવેજ કર્યો હતો. ફરિયાદીના પિતાના નામે 6 એકર જમીન’ રહી હતી.વર્ષ 2010માં ફરિયાદીના પિતાનું અવસાન થતાં અગાઉ થયેલું પાવરનામું આપોઆપ રદ ગણાય. તેમ છતાં આરોપીએ’ જુના પાવરનામાંના આધારે કમલ રાણા આહીરને દસ્તાવેજ બનાવી આપી પાંચ એકર જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. આવકવેરાના’ ફોર્મમાં પણ’ મૃતકના અંગુઠાની સહી કરવામાં આવી હતી. દસ્તાવેજ નોંધ પ્રમાણિત કરવા અંજાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવતાં આ કારસો બહાર આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.