ગાંધીધામને કોરોનાએ તો શું પણ, ગટરે જરૂર માસ્ક પહેરાવ્યા છે

 

 (ગાંધીધામ) લોકો કોરોનાને લીધે નહીં પણ ઉભરાતી ગટરના લીધે લોકોને મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળવું પડે છે. અહીંની પાલિકાની લોટ, પાણી ને લાકડાંની નીતિના પગલે લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ સમસ્યા અંગે સત્તા પક્ષ તો નિદ્રાધીન છે જ પરંતુ વિરોધ પક્ષની પણ ઊંઘ ઊડતી નથી. આવામાં અહીંની પ્રજા ભગવાન ભરોસે હોવાની લાગણી પ્રબળ બની છે. આ શહેર અને સંકુલની ગટરની તમામ મુખ્ય લાઇનો ધોવાઇ ગઇ છે. આ તમામ મુખ્ય લાઇનો બેસી જતાં પાછળની આંતરિક લાઇનો ઉભરાઇ રહી છે. આવામાં લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસવા લાગ્યા હતા. જેના કારણે દરરોજ લોકોના ટોળાં પાલિકામાં ધામા નાખતા હતા. લોકોની આવી પીડાથી છૂટકારો મેળવવા પાલિકાના હોશિયાર અધિકારી, કર્મચારીઓએ વચલો રસ્તો કાઢ્યો હતો. ટાગોર રોડ પાસેથી મુખ્ય ગટર લાઇનની ચેમ્બરો તોડી તેનું પાણી વરસાદી નાળામાં જવા દેવાય છે. જૂના એ-ડિવિઝનથી ડી.એલ.બી. કોલોની જતા માર્ગ પર ગોપાલપુરી, અપનાનગરના ખૂણા ઉપર સાંઇ બાબાના મંદિર પાછળની ચેમ્બર તોડી તેનું પાણી નાળામાં ખાલી કરાય છે. દર સામાન્ય સભામાં લાખોના ખર્ચે ગટરની ચેમ્બરોના ઢાંકણાં, ચેમ્બર રિપેરિંગ, ગટરની નવી લાઇનો નાખવા અંગેના બિલ પસાર કરવામાં આવે છે. આવી નવી લાઇનો અને ગટરના ઢાંકણાં કોણ ચાઉં કરી જાય છે તે યક્ષ પ્રશ્ન છે. દર ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂનની કામગીરી અંતર્ગત લાખોના ખર્ચે ગટરની ચેમ્બર સાફ કરવી, લાઇનો સાફ કરવા અંગે ખાનગી કોન્ટ્રાક્ટરોને બખ્ખા કરાવાય છે. તેમાં પણ તમામની ભાગબટાઇ હોવાનું અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે. લોકોના પૈસાથી ખાનગી કોન્ટ્રાક્ટરોના પેટ કેટલા સમય સુધી ભરવામાં આવશે તેવું લોકો પૂછી રહ્યા છે. આ સંકુલની હાલત નરકાગારમાં ફેરવાઇ છે છતાં સત્તા પક્ષ રાબેતા મુજબ સૂતો છે. વિરોધ પક્ષ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લોકોના આવા પ્રશ્નોની રજૂઆત કરાતી નથી. આ સંકુલ ઉપર પાલિકા, ડી.પી.ટી., એસ.આર.સી., જી.ડી.એ. અને મામલતદારની સત્તા હોવા છતાં એકેય તંત્રના પેટનું પાણી હલતું નથી જે આશ્ચર્યજનક છે. આ અંગે મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે અને આ વર્ષે વરસાદ સારો એવો પડયો છે, જેના કારણે ગટર લાઇનો બેસી ગઇ છે. ઓછામાં પૂરું રિપેરિંગ માટે ખાડો ખોદવામાં આવે તો અંદરથી પાણી બહાર આવે છે અને મરંમત થઇ શકતી નથી. અત્રે નોંધવું જરૂરી છે કે, પાલિકાના ગટર સહિતના કામોના ટેન્ડરો એસ.ઓ.આર.થી 15થી 30 ટકા નીચા ભરાય છે, જે બાબત જ શંકાસ્પદ છે. આટલા નીચા ભાવે કામ કેવું થાય તે પ્રશ્ન અધિકારીઓને થવો જોઇએ, પરંતુ કામ મેળવવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોન્ટ્રેક્ટર્સ ગમે તે હદે જતા હોવાની પ્રતીતિ થઇ રહી છે.’