સ્ત્રીને ત્રાસ આપતા એક ઇસમને પકડવા ગયેલ પોલીસ પર કુહાડી વડે હુમલો


ભુજ: કચ્છમાં અવારનવાર પોલીસ દળ પર જાનલેવા હુમલાના બનાવો બનતા રહે છે ત્યારે પડોશમાં રહેતી સ્ત્રીને ત્રાસ આપતા એક ઈસમને પકડવા ગયેલાં કંડલાના પોલીસ હેડ કોન્સ્ટેબલ પર ઇસમે કુહાડી વડે હુમલો કરતાં પૂર્વ કચ્છના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. જાનલેવા હુમલામાં હેડ કોન્સ્ટેબલે સતર્કતા દાખવતાં સામાન્ય ઈજાને બાદ કરતાં તેમનો આબાદ બચાવ થયો છે.
ઘટના ગત રાત્રે સાડા 8ના આસપાસ કંડલા રેલવે ઝુંપડા ખાતે બની હતી. અહીં રહેતો ઈશાક હુસેન બાપડા નામનો એક માથાભારે શખ્સ પડોશમાં રહેતી હવાબાઈ જાફર નાગીયા નામની હેરાન કરતો હતો. તેનાથી વાજ આવી ગયેલી મહિલા પોલીસ મથકે અરજી આપવા આવી હતી. તેની અરજી લઈ હેડ કોન્સ્ટેબલ મહેબુબ હુસેન અબ્દુલ્લા નોડે અને કોન્સ્ટેબલ અરવિંદ ચૌધરી આરોપીને પકડવા રેલવે ઝુંપડા આવ્યાં હતા. મહેબુબભાઈ જેવા ઈશાકના ઘેર ગયા કે ઈશાકે અચાનક કુહાડી વડે તેમના પર વાર કર્યો હતો. સતર્ક મહેબુબભાઈએ હાથ આડો કરતાં કુહાડી તેમની કોણી અને હથેળીમાં વાગી હતી.
ઈશાકે હુમલો કરતાં કોન્સ્ટેબલ અરવિંદ ચૌધરીએ તેને પકડવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ઈશાકે ફરી મહેબુબભાઈ પર કુહાડીનો બીજો વાર કર્યો હતો. જો કે, મહેબુબભાઈનો પગ ખાડામાં પડતાં તે નીચે વળી જતાં ઘુંટણમાં સામાન્ય છોલછાંભ થઈ હતી. હુમલા બાદ ઈશાક ચકમો આપી નાસી છૂટ્યો હતો. અચાનક થયેલા હુમલાથી બંને કોન્સ્ટેબલ બે પળ માટે હતપ્રભ થઈ ગયાં હતા. ત્યારબાદ મહેબુબભાઈને રામબાગ ખસેડી પાટાપિંડી કરાવાયાં હતા. બનાવ અંગે કંડલા મરીન પોલીસે ઈશાક સામે ગુનો નોંધ્યો છે.