ગુજરાતમાં લોકડાઉનના 7 માસમાં 7 હજાર જણ લાપતા થયા


(ગુજરાત) રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં જુલાઇ માસ સુધીના સાત માસમાં કુલ ૭,૪૪૭ લોકોની ગમે તે પ્રકારે લાપતા થયા હોવાની ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ છે. જેમાંથી અત્યાર સુધીમાં ૨,૫૬૫ લોકો મળી આવ્યા છે, શોધી કઢાયા છે કે ઘરે પરત આવી ગયા છે. જોકે બાદમાં તેઓ પરત પણ આવી ગયા હોવાના કિસ્સાઓ છે. અપહરણના કિસ્સાઓ પણ વધુ છે જેમાં અદાવત, એકતરફા પ્રેમસંબંધ સહિતના કારણો મુખ્યરૂપે જવાબદાર ગમવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેર-ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જાન્યુઆરીથી જુલાઇ માસ સુધીમાં કુલ ૧,૬૯૭ લોકો ગુમ થઇ ગયા હતા. જ્યારે બાકીના ૧,૨૦૬ લોકો હજુ ગુમસુદા જ છે. સમગ્ર રાજ્યમાં ગુમ થવાના કિસ્સામાં અમદાવાદ મોખરે છે.
નાના બાળકો, કિશોર-કિશોરી, સ્ત્રી, પુરૂષ વગેરની વિવિધ ઉંમર જુથમાં ગુમ થવાની ટકાવારીમાં દરેક શ્રેણીમાં મહિલાઓ સૌથી વધુ ગુમ થઇ હોવાનું ધ્યાને આવ્યું છે. પ્રેમસંબંધ, અપહરણ, માનવ તસ્કરી સહિતના વિવિધ કારણોસર આ લોકો ગુમ થયા હોવાનું પોલીસનું માનવું છે. ગુમ થયેલા લોકોને શોધવામાં પોલીસ તંત્ર ઓછો રસ દાખવી રહ્યું હોવાની પણ ફરિયાદો છે. ગુમ થયાના કિસ્સામાં પોલીસ ત્વરિત પગલા ભરતી ન હોવાથી આવા કેસ વણઉકલ્યા જ રહી જતા હોવાનું ફરિયાદીઓનું માનવું છે.