ધોરીમાર્ગો પર અકસ્માતના કારણે પશુઓનાં મોતમાં વધારો જોવા મળી રહ્યો છે

રાયધણજર તા.અબડાસા/ કેટલાક વાહનચાલકોની વધુ ઝડપના લીધે હાઈવે ધોરીમાર્ગ પર વન્ય પશુઓના  અવારનવાર મોત થાય છે. જે હવે સામાન્ય બની ગયું છે, પણ હવે કદાવર મોટા પશુઓના પણ રોડ પર મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ભુજ-નલિયા ધોરીમાર્ગ પર માનકૂવા અને સામત્રા વચ્ચે આવેલા લાંબા પહોળા રોડ પર ગૌધનને કોઈ વાહને ટક્કર મારતા ઘટના સ્થળે જ ગૌધન અકસ્માતે મોત ને ભેટતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. નાના પશુઓ જેમ કે, કૂતરાં, બિલાડા, નોળિયાં, ઘો જેવા પ્રાણીઓ મૃત અવસ્થામાં જોવા મળે છે. પણ ગૌધન જેવા કોઈ મોટા પ્રાણીને તો દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે. આમ છતાં આવા મોટા પ્રાણીને પણ અડફેટે લેવામાં આવે તો તેમાં વાહનોની વધુ ઝડપ અથવા તો વાહનચાલકની બેદરકારી જ કારણભૂત હોઈ શકે છે. વળી અકસ્માતમાં મૃત્યુ પામતા પ્રાણીઓના મૃતદેહ રસ્તા પર જ રઝળતી હાલતમાં પડયા રહેતા હોવાથી રાત્રિના સમયે અંધકારમાં રોડ પર પડેલા મૃત પ્રાણીઓના પાર્થિવ શરીરને કારણે અન્ય નાનાં વાહનો પણ ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે. મોટા ભાગે રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામતા પશુઓના શરીર લાંબા સમય સુધી જેમના તેમ પડયા રહેતા હોય છે, જેના લીધે ત્યાંથી નીકળવું મુશ્કેલ છે.